• શુક્રવાર, 29 મે, 2026

ગાંધીધામમાં 500 એન્જિનની ક્ષમતાનું લોકોહબ બનાવાશે

ગાંધીધામ, તા. 28 : પશ્ચિમ રેલવેની   ડી.આર.યુ.સી.સી.ની બેઠકમાં કચ્છના રેલવેના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક દરમ્યાન કચ્છના રેલવેના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા-વિચારણા કરાઈ હતી. ડીઆરએમ વેદપ્રકાશના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. કચ્છ દેશના મહત્ત્વપૂર્ણ બંદરો, મીઠાં ઉદ્યોગ, ખનિજ, લોજિસ્ટિક્સ અને રાષ્ટ્રીય સુરક્ષા દૃષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તાર હોવા છતાં રેલવે સુવિધાઓના અનેક પ્રશ્નો વર્ષોથી પ્રલંબિત હોવાનું ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. કચ્છમાંથી પશ્ચિમ રેલવેને આવકના દૃષ્ટિકોણે ગાંધીધામ રેલવે સ્ટેશનનું અગ્રસ્થાન હોવા છતાં અહીં આધુનિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરાઈ હતી. બેઠક દરમિયાન અમદાવાદના વટવા ખાતે 100 લાઈનના કાચિંગ હબ તેમજ ગાંધીધામ ખાતે 500 એન્જિન ક્ષમતાવાળું લોકોહબ ઊભું કરવાની યોજનાને લઈ સકારાત્મક ચર્ચા થઈ હતી. ગાંધીધામ ખાતે 150 લોકો એન્જિનના મેન્ટેનન્સની વ્યવસ્થા અંગે પણ અધિકારીઓએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.  ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર ભુજ રેલવે સ્ટેશન ખાતે  ચાર નંબરના પ્લેટફોર્મ પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઊભું કરવાની માંગ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઉનાળાની ઋતુ દરમિયાન મજૂરોને લાડિંગ-અનલાડિંગમાં મુશ્કેલી ન પડે તે માટે ચીરી, ગાંધીધામ, સાંતલપુર અને હળવદ જેવા મહત્ત્વપૂર્ણ સ્ટેશનો પર કંડલા પોર્ટની માફક 11 મીટર ઊંચાઈ ધરાવતા ગૂડ્ઝ ઊભા કરવા ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ રાકેશ જૈન અને ગુજરાત રિફાઈન સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોસીએશનના પારસમલ નાહટા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં  જનરલ મેનેજરની ગાંધીધામ મુલાકાત દરમ્યાન રજૂ કરાયેલા મુદ્દાઓ આ બેઠકમાં પુન: રજૂ કરાયા હતા. માનદ્મંત્રી મહેશ તીર્થાણીના જણાવ્યા અનુસાર, પ્રવાસન વિકાસ માટે માંડવીને રેલવેસેવાથી જોડવા અંગે ભારપૂર્વક રજૂઆત કરાઈ  હતી. આ હાવરા - ગરબા એક્સપ્રેસને જૈનોના પવિત્ર તીર્થ પારસનાથ ખાતે સ્ટોપેજ આપવા, ભચાઉ રેલવે સ્ટેશન ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ, કચ્છથી ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારત તરફ લાંબાં અંતરની ટ્રેનો શરૂ કરવા, ગાંધીધામ રેલવે સ્ટેશનના કૂટ ઓવરબ્રિજનું તાત્કાલિક રિપારિંગ, ગાંધીધામ-સામખિયાળી ટ્રેક પર આરયુબીના કન્સ્ટ્રક્શન અને હાઇટ ક્લીયરન્સ, ગાંધીધામ-ગોપાલપુરી સ્ટેશન પર ઈ-રિક્ષા અને બેટરી કાર્સની વ્યવસ્થા, ભચાઉ ખાતે ઇન્ડસ્ટ્રિયલ સોલ્ટ અને અન્ય કોમોડિટીઝ માટે આધુનિક ગૂડ્ઝ શેડ્સ, ચીરી સ્ટેશન પર થર્ડ સાઈડિંગ, નમો ભારત રેપિડ ટ્રેનમાં રિક્લાઈનર સીટ્સ અને રિઝર્વ કોચ તેમજ પીવાનાં શુદ્ધ પાણી અને શેડ જેવી પ્રાથમિક સુવિધાઓને પણ ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી.  કચ્છ દેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ તરીકે સતત આગળ વધી રહ્યું છે, ત્યારે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સમાન ગતિએ વિકાસ જરૂરી હોવાનો સૂર આ બેઠકમાં રજૂ કરાયો હતો. 

Panchang

dd