• શુક્રવાર, 29 મે, 2026

પૂર્વ કચ્છમાં ત્રણ કાર્યવાહીમાં 3.21 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 28 :  પૂર્વ કચ્છમાં ત્રણ જુદી-જુદી જગ્યાએ પોલીસે કાર્યવાહી કરીને કુલ રૂા. 3,21,988ના દારૂ સાથે ચાર શખ્સની અટક કરી હતી. આદિપુર પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક ગુનાશોધક શાખાએ ઉપરાઉપરી કાર્યવાહી કર્યા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી હતી. શિણાયથી અંજાર જતા માર્ગ પર શિણાય તળાવ પાસે ખુલ્લામાં દારૂનું કટિંગ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે મોડી રાત્રે પોલીસ અહીં પહોંચી હતી અને અહીંથી મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. સાંઈધામ સોસાયટી, અંતરજાળ) તથા નટુ પ્રહલાદ ઠાકોર (રહે. ગાયત્રી સોસાયટી મેઘપર-બોરીચી)ને ઝડપી લેવાયા હતા. દારૂની હેરાફેરી કરતા આ શખ્સો પાસેથી બ્લેન્ડર પ્રાઈડ, સિગ્નેચર, સ્મીર્નઓફ મિન્ટી જામુન, એવરગ્રીન, મોબી વોડકાની કુલ 230 બોટલ કિંમત રૂા. 2,55,825નો દારૂ જપ્ત કરાયો હતો. બન્ને પાસેથી કાર નંબર જીજે-01-કેએસ-6444 તથા જીજે-12-સીજી-8397 પણ હસ્તગત કરાઈ હતી. મીતરાજને ગાંધીધામનો સૂચિત અગ્રવાલ દારૂ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. સામખિયાળીમાં પાયલ ગેસ્ટહાઉસ પાછળ શુભમ સોસાયટીમાં બાવળની ઝાડીમાં દારૂ સગેવગે થવાની તૈયારીમાં હોવાની  પૂર્વ બાતમીના આધારે પોલીસ પહોંચી હતી. અહીંથી રામ મમુ કોળીની ધરપકડ કરી તેની પાસેથી ઓરેન્જ હિલ વોડકા, ગ્રીન લેબલ, કિંગફિશર બિયર એમ કુલ રૂા. 45,427નો શરાબ જપ્ત  કરાયો હતો, પરંતુ તેને આ દારૂ કોણ? ક્યાંથી? કેવી રીતે આપી ગયો હતો તે પોલીસ ઓકાવી શકી નથી. વધુ એક કાર્યવાહી ગાંધીધામમાં કરવામાં આવી હતી. એક દિવસ અગાઉ દારૂ સાથે પકડાયેલ પપ્પુરામ ઘેવરરામ મેઘવાળે વધુ દારૂ જાખર ટ્રાવેલ્સ મારફતે જોધપુરથી મગાવ્યો હોવાનું  બહાર આવ્યું હતું. દરમ્યાન નૂરી મસ્જિદ સર્વિસ રોડ પર જઈ ગોદારા ટ્રાવેલ્સ લખેલી બસ નંબર એ.આર.-01-બી-6827ને રોકાવાઈ હતી. તેની ડેકીમાંથી રૂા. 20,736ના 144 બિયરના ટીન જપ્ત કરાયા હતા, તેણે આ દારૂ મનોહરસિંઘ પ્રેમસિંઘ ભાટી પાસેથી મગાવ્યો હતો. 

Panchang

dd