વોશિંગ્ટન, તા. 29 : એક તરફ, પશ્ચિમ એશિયામાં ઈરાન સામે યુદ્ધ લંબાઇ રહ્યું
છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે અને અર્થતંત્ર પર અવળી અસર
પડી રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે દેશની
અંદર ગુસ્સો ફાટી નીકળ્યો છે, જેની અસર યુરોપ સુધી પહોંચી છે.
અમેરિકા અને યુરોપમાં `નો કિંગ્સ' રેલીઓમાં લાખો લોકોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની
નીતિઓ અને ઈરાન યુદ્ધનો વિરોધ શરૂ કર્યો છે, જેમાં મિનેસોટા આ
ચળવળનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં લોકો અને અભિનેતા રોબર્ટ ડી નીરો,
ગાયિકા જોન બેઝ, અભિનેત્રી જેન ફોન્ડા અને સેનેટર
બર્ની સેન્ડર્સ સહિત અનેક સેલિબ્રિટીઓ આ પ્રદર્શનમાં જોડાયા છે. જો કે, વ્હાઇટ હાઉસે આ વિરોધ પ્રદર્શનોને ડાબેરી નેટવર્ક તરીકે લેખાવે છે. કેટલાક
સ્થળે તો લોકોએ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ વિરુદ્ધ પોસ્ટર દેખાડવા સાથે બંનેને
પદ પરથી હટાવવાની માંગ પણ કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને આ રેલીઓને
`ડાબેરી-પંથી ભંડોળ ઊભું કરવાની રમત' ગણાવી હતી. રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ તેમને
`હેટ અમેરિકા રેલીઝ' તરીકે ઓળખાવી હતી. એક મીડિયા હેવાલ મુજબ,
શનિવારે અમેરિકાના તમામ 50 રાજ્યમાં `નો કિંગ્સ'ના નારા હેઠળ 3300થી વધુ સ્થળે હજારો રેલીઓ નીકળી
હતી, જેમાં અંદાજે 80 લાખ લોકો જોડાયા હતા. યુરોપ, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકો રસ્તા
પર ઊતરી આવ્યા હતા. લંડનમાં, લોકોએ `દક્ષિણપંથને રોકો` અને `સ્ટેન્ડ અપ અગેઇન્સ્ટ રેસીઝમ` લખેલા બેનરો સાથે કૂચ કરી. હતી, તો પેરિસમાં, ફ્રાન્સમાં
રહેતા અમેરિકનો, મજૂર સંગઠનો અને માનવાધિકાર સંગઠનો પણ જોડાયા
હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ સરકારની ઘણી નીતિઓથી
તેઓ નારાજ છે, જેમાં ઈરાન સાથે વધતો તણાવ, ઈમિગ્રેશન માટેની સખત કાર્યવાહી અને વધતી મોંઘવારીને માટે ટ્રમ્પની નીતિ જવાબદાર
હોવાનું કહી રહ્યા છે. - દુનિયા મને શાંતિદૂતના રૂપમાં યાદ રાખે : ટ્રમ્પ
: ન્યૂયોર્ક, તા. 29 આખી દુનિયામાં આર્થિક અનિશ્ચિતતા સર્જી દેતાં યુદ્ધ છેડયા બાદ
પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિને હજીય દુનિયા તેમને શાંતિદૂત તરીકે યાદ રાખે તેવાં સપના
આવી રહ્યાં છે. ટ્રમ્પે આજે ફરી એકવાર આવો જ હાસ્યાસ્પદ દાવો કરતાં કહ્યું હતું કે, તેઓ પોતાની વિરાસત મોટા શાંતિદૂતનાં રૂપમાં
છોડવા માગે છે અને ગયા વર્ષે તેમણે આઠ યુદ્ધ-સૈન્ય ટકરાવ રોકાવ્યા હતાં. આમાં ભારત-પાકિસ્તાન
વચ્ચે ઘર્ષણનો પણ સમાવેશ થાય છે તેવું તેમણે ફરી એકવાર દોહરાવ્યું હતું.