સિયોલ, તા. 29 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે વધુ એક વાર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર સુંદર દેખાતા
વ્યક્તિ જ નથી, પરંતુ એક કડક અને નિર્ણાયક નેતા પણ છે. દરમ્યાન
ટેરિફ ઝીંકીને ભારત વિરોધી વલણ બતાવનાર ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંધિ જલ્દી થશે. ટ્રમ્પે ભારત-પાક યુદ્ધ રોકવાનો
દાવો ફરી એક વખત કર્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવનો ટૂંક સમયમાં
અંત આવવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકા ભારત સાથે વેપાર કરાર કરવાની નજીક છે. આ પહેલાં અહેવાલ હતા કે અમેરિકાએ
ભારત પર ટેરિફ ઘટાડીને 16 ટકા કરવાનો
નિર્ણય લીધો છે. જોકે ભારત કે અમેરિકા સરકારે સત્તાવાર રીતે આ વાત કહી નથી. બુધવારે
દક્ષિણ કોરિયા પહોંચેલા ટ્રમ્પે કહ્યું કે જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ, તો હું ભારત સાથે વેપાર કરાર કરવાની નજીક છું.
મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર છે, અમારા
સંબંધો ખૂબ જ મજબૂત છે. ટ્રમ્પનું નિવેદન સૂચવે છે કે બન્ને દેશ વચ્ચે વેપાર તણાવ ટૂંક
સમયમાં દૂર થઈ શકે છે. રશિયન ક્રૂડની ખરીદીને લઈને ટ્રમ્પ ભારતથી નારાજ રહ્યા છે. દક્ષિણ
કોરિયાનાં બુસાનમાં ઓપેક સીઈઓ શિખર બેઠકને સંબોધનમાં મોદીની પ્રશંસા સાથે  અમેરિકી પ્રમુખે ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યું
હોવાનો દાવો ફરીવાર  કર્યો હતો. ટ્રમ્પે દાવો
કર્યો હતો કે, મેં ભારત અને પાક બંને દેશોને 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી
હતી. મારી આ કડક ચેતવણી બાદ બે દિવસે ફોન કરીને બંને નેતાઓએ યુદ્ધ વિરામ પર સહમતી આપી
દીધી હતી તેવો દાવો તેમણે કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, મોદી નાઈસેસ્ટ લુકિંગ ગાય એટલે કે, બેહદ સુંદર દેખાતા
વ્યક્તિ છે. મોદી બહારથી નાજુક, નરમ લાગે છે, પરંતુ અંદરથી મજબૂત છે. સાથોસાથ અમેરિકી પ્રમુખે પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ
અને સેના વડા આસિમ મુનીરના વખાણ પણ કર્યા હતા. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                    