• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

રિઝર્વ બેન્ક પાસે નવ લાખ કિલો સોનું

નવી દિલ્હી, તા.29 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)નો સુવર્ણ ભંડાર છેલ્લા 12 મહિનામાં સપ્ટેમ્બર-2025 સુધીમાં 25.45 મેટ્રિક ટન વધીને 880 મેટ્રિક ટન (આશરે નવ લાખ કિલો) થયું હતું. કેન્દ્રીય બેન્કનો સુવર્ણ અનામત ભંડાર સપ્ટેમ્બર-2024ના અંતમાં 854.73 મેટ્રિક ટન હતો જે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિક ગાળાના અંતમાં 880.18 મેટ્રિક ટન થયો હતો. કેન્દ્રીય બેન્કે બહાર પાડેલા તેના છમાસિક અહેવાલમાં આ બાબત જણાવી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2025ના અંત સુધી આરબીઆઈ પાસે 880.18 મેટ્રિક ટન સોનું હતું. બેન્કે જણાવ્યું કે તેના સુવર્ણ ભંડારમાંથી 575.82 મેટ્રિક ટન દેશમાં છે જ્યારે 290.37 મેટ્રિક ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (બીઓઈ) અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઈએસ) પાસે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. બેન્કે 13.99 મેટ્રિક ટન સુવર્ણ  જમાના રૂપમાં રાખ્યું છે. દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સુવર્ણનો હિસ્સો માર્ચ-2025ના અંત સુધી 11.70 ટકાથી વધીને સપ્ટેમ્બર-2025ના અંત સુધીમાં વધીને 13.92 ટકા થયો હતો. જોતકે આ દરમ્યાન વિદેશી મુદ્રા ભંડાર સપ્ટેમ્બર-2025ના અંતમાં નજીવા સ્વરૂપમાં ઘટીને 700.09 અબજ ડોલર થયો હતો. સપ્ટેમ્બર-2024ના અંતમાં તે 705.78 અબજ ડોલર હતો. ભંડાર માર્ચ-2025ના અંતમાં 668.33 અબજ ડોલરથી વધીને આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં 700.09 અબજ ડોલર થયો હતો.  

Panchang

dd