• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ભીમાસર (ચ). ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી

અંજાર, તા. 31 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો, સુવિધા શહેરોની વિચારધારાને સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધારીને 16 જિલ્લામાં 35 ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેરાત કરાઈ હતી, જેમાં કચ્છમાં અંજાર તાલુકાના ભીમાસર ચકાસરની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરાઈ હતી. ભીમાસર ચકાસર ગામને વર્ષ 2006થી 2022 સુધીમાં સમરસ પંચાયત એવોર્ડ, નિર્મળ ગ્રામ પુરસ્કાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, મહિલા પાણી સમિતિ એવોર્ડ, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર, સુશાસન પંચાયત, શ્રેષ્ઠ વી.સી.ઈ, 100 ટકા કોવિડ રસીકરણ, ગુજરાત પોષણ અભિયાન તથા ભારત સરકારના પંડિત દીનદયાળ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડ અને 15 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમગ્ર ગામ વાઈફાઈ અને સી.સી.ટી.વી. કેમેરા સહિતની આધુનિક સુવિધાથી સજ્જ  કરાયું હતુ. તેમજ મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકર વગેરે મહાનુભાવોની પ્રતિમા અન્ય ગામોથી અલગ પાડે છે, તો વળી સમયાંતરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિ મંડળે પણ આ ગામની મુલાકાત લઈ પુન:વસન સહિતની કામગીરીની રૂપરેખા જાણી હતી. રાજ્ય સરકાર દ્વારા ભીમાસર ચકાસર ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાતાં સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ રૂપિયા પાંચ લાખના પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને ગામના અગ્રણી વી.કે.હુંબલે ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થવા અંગે જણાવ્યું હતું કે, અગાઉ પણ ભીમાસર ચકાસરને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. તેવામાં વધુ એક વખત સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વખર્ચે વિવિધ કામો હાથ ધરવામાં આવતા હોવાનું તેમણે ઉમેર્યુ હતું. દરમ્યાન અમારા અમદાવાદ સ્થિત પ્રતિનિધિના અહેવાલ મુજબ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે 16 જિલ્લાની જે 3પ ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી છે તેમાં કચ્છના અંજારની ભીમાસર, સૌરાષ્ટ્રમાં અમરેલીના કુકાવાવની મોટા ઉજળા, બાબરાની ઊંટવડ , પોરબંદરના કુતિયાણાની ઈશ્વરિયા, પોરબંદરની બગવદર, મોરબીની નાની વાવડી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, રાજકોટના ઉપલેટાની કોલકી, પડધરીની મોવૈયા, ધોરાજીની જમનાવડ, ભાવનગરની લાખણકા ગ્રામપંચાયતનો સમાવેશ થાય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang