• ગુરુવાર, 19 માર્ચ, 2026

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લીલીઝંડી

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકારે રાજ્યમાં સામાજિક સમાનતા અને કાનૂની એકરૂપતા લાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ મોટું ડગલું ભર્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે અને આ ખરડાને વિધાનસભામાં  મૂક્યો છે. બજેટ સત્રના અંતિમ દિવસે 24 અથવા 25 માર્ચે આ ખરડો ચર્ચા અને મંજૂરી માટે હાથ ધરવામાં આવશે તેમ સમજાય છે.  ઉત્તરાખંડના મોડલ પર આધારિત આ કાયદો રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા માટે લાવવામાં આવી રહ્યો છે. આ પગલું સામાજિક સમાનતા અને કાનૂની એકરૂપતા તરફનું મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. - લગ્ન-વારસાઈ અંગે સ્પષ્ટ જોગવાઈઓ : આ બિલમાં લગ્ન, વારસાઈ મિલકત અને ખાસ કરીને લિવ-ઇન રિલેશનશિપને લઈને કડક અને સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલને 5 સભ્યોની કમિટી દ્વારા જોઈ- ચકાસીને પાસ કરવામાં આવ્યું છે જેમાં રંજના દેસાઈની અધ્યક્ષતામાં દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફ, આર. સી. કોડેકર અને સી. એલ. મીણા સભ્યો દ્વારા મહોર લગાવવામાં આવી છે. દરેક ધર્મ અને જાતિના લોકોના લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરેના નિયમો અને કાયદો સમાન કરવાના ઉદેશથી આ વિધેયક લાવવામાં આવી રહ્યું છે. - લિવ-ઈન માટે નોંધણી જરૂરી : નવા ડ્રાફ્ટ મુજબ, ગુજરાતમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીઓએ રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જો કોઈ વ્યક્તિ એક મહિનાથી વધુ સમય સુધી નોંધણી વગર લિવ-ઇનમાં રહેશે, તો તેને 3 મહિનાની જેલ અથવા રૂા. 10,000 સુધીનો દંડ થઈ શકે છે. લિવ-ઇન દરમિયાન જન્મેલું બાળક દંપતીનું કાયદેસર સંતાન ગણાશે અને તેને તમામ વારસાકીય હકો મળશે. જો કોઈ લિવ-ઇન પાર્ટનરની ઉંમર 21 વર્ષથી ઓછી હશે, તો રજિસ્ટ્રારે તેમના માતા-પિતાને જાણ કરવી પડશે. લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવાયેલી સ્ત્રી ભરણ પોષણનો દાવો કરવા હકદાર ગણાશે. - લગ્નએ નોંધાવજો : UCC લાગુ થયા બાદ રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ દંડ ભરવો પડશે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 અને મહિલાની 18 વર્ષ હોવી અનિવાર્ય છે. છૂટાછેડાના કિસ્સામાં, લગ્નના એક વર્ષ પૂર્ણ થયા પહેલા અરજી કરી શકાશે નહીં. આ જોગવાઈ પાછળનો હેતુ ઉતાવળમાં લેવાતા નિર્ણયો અટકાવવાનો છે. - વારસાઈ અને મિલકતમાં સમાનતા : મિલકતના વારસા હક બાબતે UCC ઐતિહાસિક પરિવર્તન લાવશે. અત્યાર સુધી અલગ-અલગ ધર્મોમાં વારસાના નિયમો જુદા હતા, પરંતુ હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (Will) બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં વારસદારો વચ્ચે કાયદાકીય વિવાદો ન સર્જાય. આ પગલાથી ખાસ કરીને મહિલાઓને આર્થિક સુરક્ષા અને સમાનતાનો હક મળશે, જે સામાજિક ન્યાયની દિશામાં મોટું કદમ છે. - અનુ. જનજાતિને યુસીસી લાગુ નહીં પડે : ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાને રાખીને, અનુસૂચિત જનજાતિ (ST) અને અમુક વિશિષ્ટ સમુદાયોને તેમની પરંપરાગત પ્રથાઓ જાળવી રાખવા માટે આ સંહિતાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રસ્તાવ રાજ્યમાં કાનૂની પ્રક્રિયાને સરળ, પારદર્શક અને સમાન બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. હવે આ બિલના અમલ અને તેના સામાજિક પ્રભાવ પર સૌની નજર રહેશે.આગામી 25 માર્ચના રોજ વિધાનસભામાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે, જે ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખશે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે. 

Panchang

dd