વડોદરા, તા. 9 (પ્રતિનિધિ દ્વારા) : વહીવટી તંત્રો અને સરકાર સામે ગંભીર સવાલો ખડા કરતી રાજ્યની વધુ એક ગોઝારી પુલ દુર્ઘટનામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુરના મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા પુલનો મોટો હિસ્સો આજે સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ વચ્ચેથી તૂટી પડતાં કમસે કમ 14 જણ માર્યા ગયા હતા તેમજ પાંચથી વધુ ઘવાયા હતા. આ દુર્ઘટના વખતે પુલ પર વાહનોની અવરજવર ચાલુ હોવાથી બે ટ્રક, બે પીકઅપ વાહન અને ઈકો વાહન અને એક રિક્ષા મહીસાગર નદીમાં ખાબકી પડી હતી. આઠ જણને બચાવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ તપાસના આદેશ આપ્યા છે. મૃતકોમાં બે ભાઈ સામેલ છે. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાને પગલે મુંજપુર સહિત આસપાસના ગામના લોકોનાં ટોળેટોળાં સ્થળ પર ઊમટી પડયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આપઘાત પોઇન્ટ તરીકે કુખ્યાત આ 40 વર્ષ જૂનો પુલ તૂટતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટયો છે. આ પહેલાં પણ 2022માં મોરબી બ્રિજ દુર્ઘટનાએ લોકોનાં હૃદય હચમચાવી નાખ્યાં હતાં. આખા દેશમાં આ બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા પડયા હતા અને સરકાર જાગી હતી અને જૂના પુલની તપાસણી કરી હતી, તેમ છતાં આજે ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બની છે. આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને તેના તૂટવાથી મોટા પાયે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. બચાવાયેલા આવેલા લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અત્યારે કુલ 4 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાથે 100થી વધુ લોકો બચાવ કામગીરી સતત કાર્યરત છે. એટલું જ નહીં પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા 20થી વધારે એમ્બ્યુલન્સ પર ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ બાજુના મુજપુર ગામના લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યાં હતા. આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા. ઋષિકેશ પટેલે કહ્યું, બ્રિજ 1985માં બન્યા પછી સમયાંતરે તેની મરામત કરવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ કરાવ્યું હતું, પરંતુ આ કમનસીબ અને દુ:ખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીએ નવો બ્રિજ 212 કરોડના ખર્ચે બનાવવા એમના તબક્કે મંજૂરી આપી હતી. તેની ટેન્ડર, એસ્ટિમેટ અને ડિઝાઇન પ્રગતિમાં હતાં. દુર્ઘટનાના પગેલ વિપક્ષી નેતા અમિત ચાવડાએ બ્રિજની જર્જરિત હાલત પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત સરકારની તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઈસુદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. ગંભીરા પુલ દુર્ઘટનાને લઇ મળતી માહિતી અનુસાર પાદરાના કોંગ્રેસના માજી ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ કરવા માટે માંગ કરાઇ હતી. આ સાથે જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે પણ વર્ષ 2022માં આર એન્ડ બી વિભાગને લેખિત રજૂઆત કરતાં લખેલા પત્રમાં પણ જણાવ્યું હતું પણ તંત્ર અને સરકાર જાગ્યા નહોતા. પાદરા-આણંદને જોડતો મુજપુર બ્રિજ જે અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં છે. આ પુલના પિલરો નબળા પડી ગયા છે. આ પુલ પર જ્યારે ભારે વાહનો પસાર થાય છે તો એની ધ્રુજારી આવી રહી છે. વારંવાર રિપેર કર્યા છતાં પણ એની પરિસ્થિતિ બગડી જાય છે, જેની ગંભીર નોંધ લેવી અને સદર બ્રિજના કારણે જો કોઇ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમામ સત્તાધીશોની રહેશે. યોગ્ય કરવાની કે નિભાવ કરવાની જવાબદારી ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમારે યુવા સેના ગુજરાત દ્વારા નાછૂટકે આ બ્રિજ પર જલદ આંદોલનના મંડાણ કરવા પડશે જેની ગંભીર નોંધ લેવી. આ પત્ર 4/8/2022ના લખવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સંબંધિત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત જાણ કરવામાં આવી હતી.. વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ફોન કર્યો હતો અને વિગતો મેળવી હતી.