નવી દિલ્હી, તા.22 : જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોને
નિશાન બનાવીને આજે મોટા આંતકવાદી હુમલાને અંજામ આપીને કોહરામ મચાવી દીધો હતો. જેમાં
26 પ્રવાસીઓના મોતની આશંકા છે.
બૈસરન ઘાસનાં મેદાનો પાસે અંધાધૂંધ ગોળીબારના પગલે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો.
ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર દોડી ગયા હતા અને ઉચ્ચ બેઠકમાં સમીક્ષા કરી કડક પગલાનો
આદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી શાહ સાથે વાતચીત કરી હતી
અને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. હુમલાને પગલે દિલ્હી-મુંબઇમાં પણ એલર્ટ જાહેર
કરાયું હતું. આ હુમલામાં બચી ગયેલા પર્યટકોનાં હવાલેથી મળતા અહેવાલો અનુસાર આતંકીઓએ
પ્રવાસીઓને નામ અને ધર્મ પૂછી-પૂછીને ગોળીઓ મારી હતી. આ ભયાનક આતંકી હુમલામાં 1નું મૃત્યુ અને 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું
જાણવા મળે છે. ઈજાગ્રસ્તોમાં સ્થાનિક અને પ્રવાસીઓ બન્ને સામેલ હોવાનું કહેવામાં આવે
છે, તો મીડિયા અહેવાલો મુજબ બે વિદેશી પ્રવાસી પણ
માર્યા ગયા છે. મૃતકોમાં સુરતના હિંમતભાઇ નામના
એક પ્રવાસી પણ સામેલ હોવાના અહેવાલ છે. તો ભાવનગરની એક વ્યક્તિને ઇજાઓ થઇ હતી. આતંકવાદીઓએ
આજે બપોરે 3 વાગ્યે બૈસરનમાં
ફરવા નીકળેલા પ્રવાસીઓને ખાસ કરીને ઘોડેસવાર પર્યટકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યા
હતાં. હુમલામાં ઘવાયેલા પીડિતોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં અને સુરક્ષાદળોએ
યુદ્ધનાં ધોરણે સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓની તલાશીનું અભિયાન ઉપાડી લીધું હતું. આ આતંકી કૃત્યની જવાબદારી ધ રેઝિસ્ટંસ ફ્રન્ટ, ટીઆરએફ દ્વારા કબૂલવામાં આવી છે. પાકિસ્તાન
સમર્થિત આતંકી જૂથોનાં ઈશારે કામ કરતું ટીઆરએફે કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોથી માથું
ઉંચક્યું છે અને સતત હુમલાઓ કરી રહ્યું છે. વડાપ્રધાને હુમલાને વખોડી કાઢયો હતો. કોંગ્રેસે
તેને માનવતા પર કલંક ગણાવ્યો હતો. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે,
આ તાજેતરના વર્ષોનો સૌથી મોટો હુમલો છે. ભારત આવેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
જે.ડી. વેન્સે હુમલાની ટીકા કરી હતી. પોલીસનાં કહેવા અનુસાર બેથી ત્રણ જેટલા આતંકવાદીઓએ
આ કૃત્યને અંજામ આપ્યો હતો. હુમલામાં ઘાયલો પૈકી કેટલાકની હાલત નાજૂક હોવાનું પણ સૂત્રોએ
જણાવ્યું હતું. પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલો 20 વર્ષમાં આ સૌથી મોટો આતંકવાદી
હુમલો ગણાય છે. કાશ્મીરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં સામાન્ય સંજોગોમાં આતંકવાદ
નજરે પડતો નથી. જેને પગલે ત્યાં સલામત માહોલમાં પર્યટકોનો ધસારો જોવા મળતો હોય છે.
પહલગામ પણ આવો જ એક હિસ્સો છે. માર્ચમાં હિમવર્ષ બાદ સેંકડોની સંખ્યામાં ત્યાં પર્યટકો
પહોંચી રહ્યાં છે. પહેલગામનાં બાયસરનમાં વાહનો જતાં નથી. પ્રવાસીઓ ત્યાં પગપાળા, ટ્રેકિંગ માટે નીકળતા હોય છે. આવા જ પ્રવાસીઓનાં
એક સમૂહને નિશાન બનાવીને ત્યાં છૂપાયેલા આતંકીઓ દ્વારા આજે હુમલો કરવામાં આવ્યો હતો.