• બુધવાર, 30 એપ્રિલ, 2025

નાગપુરમાં ભારે હિંસા બાદ 50ની અટકાયત ; કર્ફ્યૂ લદાયો

નાગપુર, તા. 18 : ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ગઇ રાતથી ભારે હિંસા સર્જાઇ હતી. ઉપદ્રવીઓએ ઠેર ઠેર તોડફોડ કરી વાહનોને આગ ચાંપી હતી. પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારી પર કુહાડીથી હુમલો થયો હતો. થયેલી હિંસક ઘટનાઓ બાદ નાગપુરમાં 50 લોકોની અટક કરવામાં આવી હતી તેમજ શહેરના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ફિલ્મ `છાવા'માં મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા સંભાજી મહારાજને ત્રાસ આપ્યાનું વર્ણન જોઈને લોકો ભડક્યા હતા. નાગપુર શહેરમાં જે કઈ ઘટના બની છે. જેમાં ટોળાએ અમુક હિંદુ ઘરોને નિશાના બનાવ્યા હતા. આ બધું પૂર્વનિયોજીત હોય એવું લાગી રહ્યું છે. દરમિયાન, નાગપુરના કમિશનરે શહેરમાં શાંતિ જાળવવા માટે તમામ વિસ્તારોના ડીસીપી સાથે બેઠક યોજી હતી. નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર કુમાર સિંઘલે કહ્યું હતું કે, હિંસા સંદર્ભે પાંચ જણ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઈ છે. અધિકારીએ કહ્યું હતું કે, સોમવારે સાંજે 7.30 વાગ્યે મહલના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મુગલ બાદશાહ ઔરંગઝેબને કબર હટાવવા મામલે કરવામાં આવેલા પ્રદર્શનમાં પવિત્ર પુસ્તકને સળગાવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી. હસનપુરી વિસ્તારમાં રાતના 10.30થી 11.30 વાગ્યા દરમિયાન હિંસક અથડામણો થઈ હતી. આ ઘટનામાં ત્રણ ડીસીપી અને 33થી વધુ પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી. ભાજપના પ્રમુખ અને નાગપુરના પાલકપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરની હૉસ્પિટલમાં જઈને ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીઓના ખબરઅંતર પૂછ્યા હતા. એમણે કહ્યું હતું કે વાતાવરણને ડહોળવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રાલય ગાફેલ નહોતું. અથડામણ દરમિયાન હિંદુ અને મુસ્લિમો માટે પોલીસ ઢાલ બન્યા બન્યા હતા. નાગપુરના કોટવાળી, ગણેશપેઠ, તહેસીલ, લકડગંજ, પાંચપાવલી, શાંતિનગર, સક્કરદારા, નંદનવન, ઇમામવાડા, યશોધરાનગર અને કપિલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના વિદર્ભ પ્રાંત સહમંત્રી દેવેશ મિશ્રાએ પત્રકારોને કહ્યું કે છત્રપતિ સંભાજી નગરના જિલ્લાના ખુલતાબાદમાં આવેલી કબરને હટાવવા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર છત્રપતિ સંભાજી મહારાજનું છે. ઔરંગઝેબ દ્વારા જે પ્રકારનો ત્રાસ તેમને આપવામાં આવ્યો હતો, એની સામે અમારો વિરોધ છે. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કોઈ નિશાની રહેવી ન જોઈએ. તેથી અમે એની કબર હટાવવાનો નિર્ણય લીધો હતો પણ નાગપુરમાં હજી પણ કેટલાક લોકો એવા છે જે ઔરંગઝેબને મહાન ગણે છે. જે અમે ચલાવી નહીં લઈએ. પવિત્ર શબ્દો લખેલી ચાદરને બાળવામાં આવી હોવાના આરોપને એમણે રદિયો આપ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd