ભુજ, તા. 18 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કચ્છના તમામ ધારાસભ્યની
બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છને દાયકાઓથી
પીડતા શિક્ષકોની કાયમી ઘટ સહિતના સળગતા પ્રશ્નોની રજૂઆત કરતા મુખ્યમંત્રીએ સકારાત્મક
નિર્ણય લઈ રૂટિન ભરતી ઉપરાંત વધારાના 4100 શિક્ષક, જેમાં
સ્થાનિક તેમજ `જ્યાં નિમણૂક, ત્યાં નિવૃત્તિ'ની શરતે
ભરતીનો નિર્ણય કરતા કચ્છભરના શિક્ષણજગતમાં આનંદની લાગણી ફરી વળી છે. આ અંગે વધુ વિગતો
આપતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગઈકાલે ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા,
માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા,
પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના ધારાસભ્યોની મુખ્યમંત્રી સાથે કચ્છના વિવિધ
પ્રશ્નો અંગે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં શ્રી દવેએ ખાસ કરીને
શિક્ષકોની ઘટ સંદર્ભે ચર્ચા કરી હતી, જેમાં કચ્છ મોટો અને અંતરિયાળ
જિલ્લો છે, અહીં શિક્ષકો ભરતી થાય છે, પરંતુ
દૂર દૂરનાં ગામડાંઓમાં શિક્ષકો જવા તૈયાર ન હોવાથી અમુક સમય બાદ જતા રહેતા હોવાથી બાળકોનું
શિક્ષણ કથળે છે અને બાળકોને મુશ્કેલી પડે છે, આ બાબતે મુખ્યમંત્રીએ
આ પ્રશ્ન જુનો છે તેથી તેનો રસ્તો કાઢવા વ્યાયામ આદર્યો હોવાનું જણાવ્યું હતું. આ રજૂઆત
બાદ આજે જ મુખ્યમંત્રીએ કચ્છ માટે ખાસ કિસ્સામાં રૂટિન ભરતીની સાથે-સાથે સ્થાનિકોને
અગ્રતા આપી ધો. 1થી 5માં 2500 અને 6થી 8માં 1600 એમ કુલ વધારાના 4100 શિક્ષકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં નિમણૂક લીધા બાદ નિવૃત્તિ સુધી અન્ય જિલ્લામાં
બદલી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે, જેની અમલવારી આગામી સત્રથી
થશે. આ નિર્ણય બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ
પાનસેરિયાનો આભાર માન્યો હતો. દરમ્યાન પ્રાપ્ત વિગતો મુજબ ભરતીના હાલના નિયમોમાં જરૂરી
સુધારા-વધારા કરવા અંગેની કવાયત હાથ ધરવામાં આવી છે, એટલું જ
નહીં આ અંગે કાયદાકીય માર્ગદર્શન લીધા બાદ સુધારા કરી મંત્રી મંડળની બેઠકમાં અહેવાલ
સ્વરૂપે રજૂ કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકની ભરતી માટે ટ્રાન્ઝીટ પોઈન્ટ બનેલાં સરહદી કચ્છમાં દર વખતે શિક્ષકોની
ભરતી તો કરવામાં આવે છે, પરંતુ બે-ત્રણ વર્ષના ગાળામાં જ ભરતી
થયેલા શિક્ષકો પોતાનાં વતનમાં બદલી કરાવી લેતા હોવાથી કચ્છમાં કાયમી ઘટનો પ્રશ્ન ઊભો જ રહે છે. આ વિશે કચ્છમિત્રના અહેવાલોને પગલે
રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને મુખ્યમંત્રીએ ટોચના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી
ઉપાયો સૂચવવા જણાવ્યું હતું. આ મનોમંથન બાદ આજે મુખ્યમંત્રી શ્રી પટેલે કચ્છના શિક્ષણ
અંગે મહત્ત્વનો નિર્ણય લઈ રેગ્યુલર ભરતી ઉપરાંત પ્રથમ અગ્રતા સ્થાનિકોને તેમજ `જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ'ના ફોર્મ્યુલા સાથે 4100 શિક્ષકની ભરતીનો નિર્ણય લેતાં
કચ્છભરમાં શિક્ષણ આલમમાં આનંદની લાગણી ફેલાઈ
છે. - શિક્ષણ સમિતિના પ્રતિભાવ : તો જિલ્લાફેર બદલી બાદ પંચાયતની શિક્ષણ
સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બદલીવાળા શિક્ષકોને છુટા
ન કરવાનો ઠરાવ કરાયો હતો તેમજ સામાન્ય સભામાંયે આ ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
આ અંગે ચેરમેન શ્રી ગઢવીએ જણાવ્યું કે, ઓફલાઈન અને ઓનલાઈન બદલીનો પૂરેપૂરો અમલ કરવામાં આવે, તો 7500 શિક્ષકની ઘટ થાય તેથી શિક્ષણ
સમિતિ દ્વારા ઠરાવ કરી જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલીવાળા શિક્ષકોને છૂટા
ન કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં
સાંસદ સહિત તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ ખાસ કરીને કચ્છના પોતિકા અખબાર કચ્છમિત્રએ
વિશેષ યોગદાન આપ્યું હતું. પ્રાથમિક શિક્ષકોની ઘટની કાયમી પીડા ભોગવતા કચ્છ માટે રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રેગ્યુલર ભરતી ઉપરાંત `જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ'ના ફોર્મ્યુલા મુજબ વધારાના શિક્ષકની ભરતી કરવાનો
કચ્છહિતનો નિર્ણય લેતાં ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે. - જિલ્લા પંચાયત પ્રમુખ-શિક્ષણ
સમિતિ ચેરમેનનો આવકાર : કચ્છના લાંબા
સમયથી શિક્ષક ઘટના વણઉકેલ પ્રશ્ને મુખ્યમંત્રીના આજના નિર્ણયને જિલ્લા પંચાયત પ્રમુખ
જનકસિંહ જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ
ગઢવીએ પણ આવકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી
કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણમંત્રી અને
પ્રફુલ્લભાઈ પાનસેરિયાનો આભાર માન્યો હતો. - પૂર્વ રાજ્યમંત્રીએ જાહેર મંચથી રજૂઆત કરી હતી : પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે વર્ષ 2021માં યોજેલાં દિવાળી સંમેલન
દરમ્યાન કચ્છમાં શિક્ષકો અને પીજીવીસીએલ અને ગેટકો માટે અલગથી ભરતી કરવાની જાહેર મંચ
પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. - શિક્ષક સંગઠનનો આવકાર : કચ્છમાં સ્થાનિકોની
ભરતી કરવાના નિર્ણયને કચ્છ જિલ્લા શિક્ષક સંગઠનના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ આહીર, હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા સહિતનાએ આભારની લાગણી
વ્યક્ત કરી હતી. - કચ્છ જિલ્લા
કોંગ્રેસની રજૂઆતનો દાવો : ગુજરાત પ્રદેશ મહામંત્રી વી. કે. હુંબલ તથા જિલ્લા પ્રમુખ યજૂવેન્દ્રસિંહ
જાડેજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા તેમજ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય
સભામાં અનેક વખત કરાયેલી રજૂઆત બાદ સરકાર જાગી છે તેથી ત્વરિત પરિપત્ર બહાર પાડી અમલવારી
કરવી જોઈએ. - નિવૃત્ત શિક્ષક
સંગઠનનો આવકાર : કચ્છમાં સ્થાનિકોની ભરતીના કરાયેલા નિર્ણયને
નિવૃત્ત શિક્ષક સંગઠનના રશ્મિકાંત પંડયા, દિનેશ શાહ, પ્રજ્ઞેશ
છાયા સહિતનાએ આવકાર્યો હતો. - માધ્યમિક-ઉચ્ચ માધ્યમિકનો ઉલ્લેખ ન થતાં નિરાશા : દરમ્યાન આજે મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિકમાં
સ્થાનિક શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં કોઈ જાહેરાત
ન થતાં કચ્છમાં ટાટ બેરોજગાર ઉમેદવારોમાં નિરાશા વ્યાપી હતી.