• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

સૂર્ય સેના માટે સેમિફાઇનલના સીધા ચઢાણ

ચેન્નાઈ, તા.24 : ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝની મોટી જીત બાદ ભારત માટે સેમિફાઇનલની રાહ કઠિન બની છે પણ અશક્ય નથી. અહીંનાં ચેપોક મેદાન પર ગુરુવારે ટીમ ઇન્ડિયા છૂપા રૂસ્તમ ઝિમ્બાબ્વે સામે મેદાને પડશે ત્યારે ટી-20 વિશ્વ કપની સુપર-8 રાઉન્ડની આ મેચ સૂર્યસેના માટે મરણિયો જંગ બની રહેશે. સુપર-8 રાઉન્ડના પહેલા મેચમાં દ. આફ્રિકા સામેની કારમી હારથી ભારતીય ટીમની આગળની રાહ કઠિન બની છે. બીજી તરફ ગઈકાલે મુંબઈમાં રનની આતશબાજી કરી વેસ્ટ ઇન્ડિઝ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 107 રનની વિશાળ જીતથી સેમિ ફાઇનલ પ્રવેશની મજબૂત દાવેદારી રજૂ કરી છે. સુપર-8 રાઉન્ડમાં ગ્રુપ-1માં વેસ્ટ ઇન્ડિઝ ટીમ હાલ ટોચ પર છે. તેની નેટ રન રેટ પણ પ.3પ છે. આ સામે ઝિમ્બાબ્વે ટીમનો માઇનસ પ.3પ છે. આફ્રિકા સામેની 76 રનની હારથી ભારતની નેટ રન રેટ માઇનસ 3.80 છે જ્યારે દ. આફ્રિકાની નેટ રેન રેટ 3.80 છે અને બીજા નંબર પર છે. ભારતીય ટીમ માટે સેમિ ફાઇનલમાં પહોંચવાનું સીધું ગણિત એ છે કે પહેલા ગુરુવારે ઝિમ્બાબ્વે સામે મહાવિજય હાંસલ કરી બે અંક ગજવે કરવા પડશે અને નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે હશે. જે 1 માર્ચે કોલકતામાં રમાશે. આ મેચમાં પણ હરહાલમાં જીત જરૂરી છે. આથી ટીમ ઇન્ડિયાના 4 અંક થશે.  જો આફ્રિકા સામે વિન્ડિઝની જીત થશે. તો ભારતીય ટીમના સમીકરણ બગડી જશે કારણ કે આ સ્થિતિમાં ભારત-વિન્ડિઝના 4-4 અંક હશે તો જેની સારી નેટ રન રેટ હશે તે સેમિ ફાઇનલમાં પહોંચશે. હાલ તો આ મામલે ભારતથી વિન્ડિઝ ઘણું આગળ છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતને જો 10 આસપાસનો ટાર્ગેટ મળે તો 11 કે 12 ઓવરમાં ચેઝ કરી જીત મેળવવી પડશે જ્યારે પહેલા બેટિંગની સ્થિતિમાં 100 રન આસપાસની જીત મેળવવી પડશે. આથી ભારતીય ટીમની નેટ રન રેટ પ્લસમાં આવી શકે. 

Panchang

dd