નવી દિલ્હી, તા. 24 : અમેરિકાનાં
ઉત્તરપૂર્વી હિસ્સામાં હિમતોફાને `ધોળો' કેર વર્તાવ્યો
છે. મેરીલેન્ડથી લઈને મેન સુધીનો પ્રદેશ હિમચાદરથી ઢંકાઈ ગયો છે. આ વિષમ મોસમનાં કારણે
શનિવારથી સોમવાર વચ્ચે અમેરિકામાં કુલ 10 હજાર કરતાં વધુ વિમાનોની ઉડાન રદ કરવામાં આવી હતી. જેમાં એકલા
સોમવારે જ પાંચ હજારથી વધુ ફ્લાઈટ રદ થઈ હતી અને મંગળવારે વધુ 1300 ફ્લાઈટ રદ કરવામાં આવતાં હજારો
મુસાફરો અટવાઈ ગયા હતા. વિમાન સેવા ખોરવાતાં સૌથી વધુ અસર ન્યૂયોર્કના જેએફકે, લાગુઆર્ડિયા અને બોસ્ટનનાં લોગાન એરપોર્ટ ઉપર
થઈ હતી. હવામાન વિજ્ઞાનીઓ દ્વારા આને એક દાયકાનું સૌથી વિકરાળ હિમ તોફાન ગણાવવામાં
આવી રહ્યું છે. આને બમ ચક્રવાત કહેવામાં આવે છે. બમ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે
24 કલાકના ગાળામાં તોફાનનું દબાણ
એક નિશ્ચિત પ્રમાણમાં ઘટી જાય છે. સામાન્ય રીતે શરદ ઋતુમાં જ્યારે આર્કટિકની બર્ફીલી
હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે ટકરાય છે ત્યારે સર્જાય છે. અનેક વિસ્તારોમાં
તો બે ફૂટ કરતાં વધુ બરફ પડયો છે. રોડ આઈલેન્ડનાં વારવિકમાં ત્રણ ફૂટ સુધી બરફ પડયો
હોવાનું નોંધાયું છે. તીવ્ર પવન અને ભારે હિમવર્ષાનાં કારણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને મેસાચુસેટ્સ સહિત અનેક રાજ્યોમાં
કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. આ હિમ તોફાનની અસર એટલી તીવ્ર છે કે, સંયુક્ત રાષ્ટ્રને પોતાની સુરક્ષા પરિષદની બેઠક પણ સ્થગિત કરી દેવી પડી છે
અને તેનું મુખ્યાલય પણ હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. ન્યૂયોર્ક શહેરમાં
છેલ્લા છ વર્ષમાં પહેલીવાર હિમવર્ષાના કારણે શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડી છે. પરિવહન
પણ ખોરંભે ચડી ગયું છે. રેલ અને બસ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ લપસણા થઈ ગયા છે
અને દૃશ્યતા ઘટી જવાનાં કારણે મુસાફરી બેહદ જોખમી બની ગઈ છે. પ્રશાસન તરફથી લોકોને
ઘરમાં જ રહેવાની અપીલો પણ કરી છે. જો કે આ આફત વચ્ચે પણ ઘણાં લોકો આ હિમવર્ષાની મોજ
પણ માણી રહ્યાં છે. ટાઈમ્સ સ્ક્વેર ઉપર લોકો નાચતા-કૂદતા અને બરફનાં ગોળા ઉછાળતા પણ
જોવા મળ્યા હતાં. જો કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ખતરો
હજી પણ ટળ્યો નથી. - 5.7 લાખ ઘરમાં વીજળી ગુલ : ન્યૂયોર્ક, તા. 24 : ભારે હિમ તોફાનને લીધે અમેરિકાના
પૂર્વ કિનારાના 5.7 લાખ ઘરોમાં
વીજળી ગુલ થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં 1પ ઈંચ બરફ વર્ષા થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ હિમ
તોફાનને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાનની ભીતિ છે.