નવી દિલ્હી, તા. 24 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ટેરિફ નીતિઓ માટે સમાચારમાં છે. તેમણે વિશ્વભરના
અનેક દેશો પર વિવિધ ટેરિફની જાહેરાત કરી હતી. જો કે,
યુએસ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટ્રમ્પના ટેરિફને રદ કર્યા હતા અને તેમને
ગેરકાયદેસર ગણાવ્યા હતા. હવે, ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે દેશો
હાલના વેપાર કરાર સાથે રમત રમવાનો પ્રયાસ કરશે તેમને વધુ ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પની આ ચીમકી ભારત સહિતના એવા દેશો
માટે જોવાઈ રહી છે જેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટ્રમ્પની વૈશ્વિક ટેરિફ ઝીંકવાની
ઘોષણા પછી અમેરિકા સાથેની વ્યાપાર વાટાઘાટો થંભાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન
યુએસ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આવ્યું છે જેમાં ટ્રમ્પે જંગી ટેરિફ લાદીને
પોતાની સત્તાઓ ઓળંગી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું
કે જે દેશો વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે છેતરાપિંડી કરી રહ્યા છે તેમને અગાઉ સંમત
થયા કરતાં પણ વધુ ટેરિફનો સામનો કરવો પડશે. તેમણે ચેતવણી આપી હતી કે, `ખરીદનાર સાવધાન રહો.' કોર્ટના ચુકાદા બાદ તેમણે પહેલા 10 ટકા અને પછી 15 ટકા વૈશ્વિક ટેરિફની જાહેરાત
કરી જે મંગળવારથી અમલમાં આવશે, જેનો
હેતુ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને વેપાર ખાધ ઘટાડવાનો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ
વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, પરંતુ ટ્રમ્પ અટક્યા ન હતા. મંગળવારે
જાહેર કરાયેલા નવા ટેરિફ અમલમાં આવ્યા છે. યુએસ સુપ્રીમ કોર્ટનો નિર્ણય 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક
પાવર્સ એકટ હેઠળ લાગુ પડે છે. કોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ
કાયદાનો ઉપયોગ તેની મર્યાદાઓ ઓળંગી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કોર્ટના નિર્ણયને પડકારવા
માટે અન્ય વિકલ્પો શોધી રહ્યું છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે કહ્યું
છે કે, નવી કાનૂની જોગવાઈઓ દ્વારા લગભગ સમાન સ્તરે
ટેરિફ ફરીથી લાદી શકાય છે.