• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

નિંગાળમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરાતાં પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 24 : અંજારના નિંગાળના એક યુવાનને ઊંચા વ્યાજે પૈસા આપી તેની પાસેથી 10 લાખ મેળવ્યા બાદ પણ વધુ રકમની ઉઘરાણી કરતા શખ્સો સામે ગુનો દર્જ થયો હતો. નિંગાળમાં રહેનાર ખેડૂત એવા અજીમ કારા બાફણે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાનને ખેતીનાં કામ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેણે પોતાના મિત્રોને વાત કરી હતી અને અંજારના ગુરુકુળ-1માં રહેનાર  મોહીશા શેખ વ્યાજવટાવનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી ફરિયાદીએ તેનો સંપર્ક કરતાં બે દિવસ પછી મળવા અને કોરા ચેક આપવા તથા 10 ટકા વ્યાજની વાત કરી હતી અને બાદમાં વ્યાજના પૈસા કાપીને  રૂા. 4,50,000 આ ફરિયાદીને આપ્યા હતા. ફરિયાદીએ નિયમિત રીતે વ્યાજના પૈસા ભરી મુદ્દલના પૈસા થઈને કુલ્લ રૂા. 10 લાખ આરોપીને આપવા છતાં તે વધુ રકમની પઠાણી ઉઘરાણી કરતો હતો અને વારંવાર ફરિયાદીને  ફોન કરી ધાકધમકી કરી વોટ્સએપમાં વોઇસ ક્લિપ મોકલતો હતો તેમજ બે અજાણ્યા શખ્સોને સાથે રાખી ફરિયાદીના ઘરે જઇ ઘર ઉપર પથ્થરમારો કરતો વીડિયો બનાવી તે વીડિયો ફરિયાદીને મોકલાયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી મોહીશા શેખ તથા અન્ય બે શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd