નવી દિલ્હી, તા. 24 : મંગળ ગ્રહ
હંમેશાંથી માણસો અને વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય બનેલો છે. હાલમાં જ અમેરિકી અંતરીક્ષ
એજન્સી નાસાના પરસેવરેન્સ રોવરે આ લાલ ગ્રહની એક એવી તસવીર મોકલી છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ધૂળ
ભરેલી લાલ-નારંગી માટી અને ખડક વચ્ચે એક એવો પથ્થર જોવા મળ્યો છે જેના ઉપર ઝેબ્રા જેવી
કાળી અને સફેદ ધારી બનેલી છે. ઈન્ટરનેટ ઉપર આ પથ્થરને `ઝેબ્રા રોક' કહેવામાં આવી રહ્યો છે. પથ્થર ખૂબ મોટો નથી,
તેની પહોળાઈ માત્ર 20 સેન્ટીમીટર (અંદાજિત 8 ઈંચ) છે. નાસાની ટીમે સત્તાવાર રીતે પથ્થરને `ફ્રેયા કૈસલ' નામ આપ્યું છે. આ પથ્થર ઉપર સ્પષ્ટ રીતે કાળી અને સફેદ પટ્ટી બનેલી છે. લાલ ગ્રહ ઉપર
એક તરફ માત્ર લાલ અને ભુરી ચટ્ટાન જોવા મળે છે તેવામાં સફેદ અને કાળી પટ્ટી ધરાવતો
પથ્થર ધ્યાન ખેંચી રહ્યો છે. આ પથ્થર મંગળના જેજેરો ક્રેટર વિસ્તારમાંથી મળી આવ્યો
છે. આ વિસ્તાર અબજો વર્ષ પહેલાં પાણીનું તળાવ હતો. વર્તમાન સમયે રોવર આ ક્રેટરના કિનારે
ફરી રહ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે મંગળ ગ્રહ ઉપરથી પહેલાં ક્યારેય આવો પથ્થર
જોવા મળ્યો નથી. જો કે હજી સંપૂર્ણ રસાયણિક તપાસ થવાની બાકી છે. વૈજ્ઞાનિકો એટલે પણ
અચંબિત છે કારણ કે સફેદ અને કાળી પટ્ટી ધરાવતો પથ્થર ભૌગોલિક સ્થિતિને થોડો પણ અનુરૂપ
નથી. તે કોઈપણ પથ્થરોનો હિસ્સો નથી અને જમીન ઉપર અલગ પડયો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા
છે કે આ પથ્થર ક્રેટરમાં ઉપરથી નીચે પડયો છે. આ નાનકડો ઝેબ્રા રોક મંગળના ભૂતકાળની
સમજ આપવા માટે મહત્ત્વનું કામ કરી શકે છે.