નવી દિલ્હી, તા. 24 : નેશનલ કાઉન્સિલ
ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)એ આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનનાં
નવાં પાઠયપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક પ્રકરણ મૂક્યું છે, હવે પહેલીવાર આઠમા ધોરણના છાત્રો ન્યાય વિભાગમાં
ગેરરીતિ અંગે અભ્યાસ કરશે. આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના 81 હજાર, હાઈકોર્ટસના 62.40 લાખ અને ડિસ્ટ્રીક્ટ તેમજ સબઓર્ડિનેટ
કોર્ટના 4.70 કરોડ પેન્ડિંગ કેસનો પણ ઉલ્લેખ
કરાયો છે. એનસીઈઆરટીએ અગાઉની આવૃત્તિની તુલનાએ
ન્યાયતંત્રને લઈને મોટો ફેરફાર કર્યો છે. આ પહેલાના અભ્યાસક્રમમાં મોટે ભાગે અદાલતનાં
માળખાં અને ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવાં પ્રકરણનું નામ આપણા સમાજમાં ન્યાયતંત્રની
ભૂમિકા છે. તેમાં અદાલતના સ્તરો અને તેની ભૂમિકા સમજાવવાને બદલે ન્યાયતંત્ર સામેના
પડકારો, ભ્રષ્ટાચાર અને કેસોના ભરાવાનો વધુ ઉલ્લેખ છે
એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. - પૂર્વ સીજેઆઈનો ઉલ્લેખ : નવાં પ્રકરણમાં પૂર્વ સીજેઆઈ બી.આર. ગવઈનો પણ ઉલ્લેખ છે. 202પમાં બી.આર. ગવઈએ આપેલા ન્યાયતંત્રમાં
ભ્રષ્ટાચાર અને ગેરઆચરણથી લોકોના વિશ્વાસ પર ખોટી અસર પડે છે એ નિવેદનનો ઉલ્લેખ છે.