• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

કુદરતી આફતમાં સહાય માટે 11358 કરોડ

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 24 : ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે રૂા. 19,316.54 કરોડની પૂરક માંગણીઓ વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજેટમાં જોગવાઈ ન હોય અને વર્ષ દરમિયાન આકસ્મિક ખર્ચની જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકાર વિધાનસભાની મંજૂરીની અપેક્ષાએ આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડીને ખર્ચ કરતી હોય છે. હવે આ ખર્ચાયેલી રકમની વિધિવત મંજૂરી મેળવવા માટે સરકાર દ્વારા પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ પૂરક બજેટમાં સૌથી વધુ ભાર કુદરતી આફતો સામે ખેડૂતોને રક્ષણ, આરોગ્ય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અને શહેરી વિકાસ પર આપવામાં આવ્યો છે. કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી સરકારે કૃષિ અને મહેસૂલ વિભાગ હસ્તક અબજો રૂપિયા ખર્ચ્યા છે. જેમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય તરીકે રૂા. 1,218 કરોડ અને મહેસૂલ વિભાગ દ્વારા કુદરતી આફત સહાય પેટે અંદાજે રૂા. 11,358 કરોડનો મોટો આંકડો મંજૂરી માટે મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે પાંચ નવી મેડિકલ કોલેજોની સ્થાપના અને સીએચસી-પીએચસીના બાંધકામ માટે રૂા. 1,139 કરોડનો ખર્ચ પણ આ પૂરક બજેટનો મુખ્ય હિસ્સો છે. શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ વધારવા માટે અમૃત-2.0 મિશન હેઠળ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રૂા. 1,422 કરોડની સહાય ફાળવવામાં આવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે રૂા .1,400 કરોડ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ પાછળ પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

Panchang

dd