વોશિંગ્ટન, તા. પ : અમેરિકાના રાષ્ટ્રપતિ
ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. આ સંદર્ભમાં
સિંધી નાગરિક સમાજ સંગઠનો અને સિંધુ દેશ ચળવળના સંયુક્ત મંચ દ્વારા પાકિસ્તાનના સિંધ
પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં કથિત ગુપ્ત પરમાણુ પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરવામાં
આવી છે. આ સંગઠનોએ આ વિસ્તારોમાં શંકાસ્પદ પરમાણુ સંબંધિત પ્રવૃત્તિઓની તાત્કાલિક આંતરરાષ્ટ્રીય
તપાસની માગ કરી છે. યુએન સેક્રેટરી-જનરલ ઇન્ટરનેશનલ
એટોમિક એનર્જી એજન્સી , યુએન ઓફિસ ફોર ડિસઆર્મમેન્ટ અને યુએન
હાઈ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સને મોકલવામાં આવેલા ઔપચારિક પત્રમાં આ જૂથોએ આરોપ લગાવ્યો
છે કે જામશોરોની ઉત્તરે, કમ્બર-શાહદાદકોટ જિલ્લાની આસપાસ અને
મંચર તળાવની પશ્ચિમ બાજુએ નોરિયાબાદ નજીક અસંખ્ય ભૂગર્ભ ટનલ અને ચેમ્બર સિસ્ટમ્સ બનાવવામાં
આવી રહી છે. આ પત્ર જેય સિંધ મુત્તાહિદા મહાઝના પ્રમુખ શફી બુરફતે તેમના સત્તાવાર એકસ
હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. દસ્તાવેજ મુજબ
આ ટનલ સખત લશ્કરી ગુપ્તતાને આધીન છે, પ્રવેશ પર સખત પ્રતિબંધ
છે અને બાંધકામ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેનો ઉપયોગ પરમાણુ સામગ્રી અથવા સંબંધિત
પ્રક્રિયાઓના સંગ્રહ માટે થઈ શકે છે. પત્રમાં તાત્કાલિક વૈશ્વિક ચકાસણીની માગ કરવામાં
આવી છે.