નવીદિલ્હી, તા.29:
દક્ષિણ કોરિયાનાં મુઆન એરપોર્ટ ઉપર ભીષણ વિમાન દુર્ઘટનામાં 179 લોકોનાં મૃત્યુ નીપજ્યા
છે. આ પહેલા બુધવારે કઝાકિસ્તાનથી રશિયા જતાં વિમાનની દુર્ઘટનામાં 38 લોકોનાં મોત થયા
હતાં. આ દુર્ઘટના પછી દાવો થયો હતો કે, કઝાકિસ્તાનનાં અત્કાઉ પાસે દુર્ઘટનાગ્રસ્ત બનેલું
વિમાન વાસ્તવમાં રશિયાની મિસાઈલ કે અન્ય કોઈ ભેદી હુમલાનો શિકાર બન્યું હતું. આ વિમાન
અઝરબૈજાન એરલાઈન્સનું હતું અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનનાં રાષ્ટ્રપતિ
ઈલ્હામ અલયેવની માફી પણ માગી હતી. જો કે તેમાં કોઈ ભેદી હુમલાનો પ્રત્યક્ષ કે પરોક્ષ
સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. આ વખતે દક્ષિણ કોરિયાની દુર્ઘટના પછી પણ લોકો અનેક પ્રકારની
શંકાકુશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, દુનિયામાં ચાલતી લડાઈઓ વચ્ચે
આવી રીતે વિમાનોને ફૂંકી નાખીને રાજકીય હેતુઓ પાર પાડવામાં આવી શકે છે.