નવી દિલ્હી, તા.
29 : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કારને લઈને વિવાદ શરૂ થયો છે. જેમાં કોંગ્રેસના
આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, આ સસ્તા રાજનીતિક
દાવ લગાડવાનો સમય નથી. રાહુલ ગાંધી તથ્યોને કલ્પનાની સાથે મેળવવાની કોશિશ કરે છે. બીજી
તરફ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસના વિચારો હલકા છે. જેની જેટલી
પણ નિંદા કરવામાં આવે ઓછી છે. સોનિયા ગાંધીએ તો પૂર્વ પીએમ પી વી નરસિમ્હા રાવનાં મૃત્યુ
બાદ સમાધિ સ્થળ બનાવવાની માગ ખારિજ કરી દીધી હતી. બાદમાં પીએમ મોદીએ 2015માં તેમના
સ્મારકની સ્થાપના કરી હતી. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ ઉપર કરીને કેન્દ્ર
સરકારે અપમાન કર્યું હોવાના રાહુલ ગાંધીના આરોપો ઉપર ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવી
રહ્યો છે. આ દરમિયાન પૂર્વ પીએમ પીવી નરસિમ્હા રાવના ભાઈ મનોહર રાવે કોંગ્રેસ અને સોનિયા
ગાંધી બન્નેને ઘેર્યા હતા. મનોહર રાવે કહ્યું હતું કે, પી વી નરસિમ્હા માટે સોનિયા
ગાંધી પણ પહોંચ્યા નહોતાં. કોંગ્રેસના પીએમનું નિધન થયું હતું અને તેઓ હૈદરાબાદ પહોંચી
શક્યા નહોતાં. તેઓએ રાવની એક પ્રતિમા પણ લગાડી નથી. આટલા વર્ષ સત્તામાં રહ્યા બાદ પણ
ભારત રત્ન આપી શક્યા નથી. હવે આ લોકો મનમોહનસિંહના અંતિમ સંસ્કાર મુદ્દે આરોપો મૂકી
રહ્યા છે. મનોહર રાવે કહ્યું હતું કે, ઘણા વડાપ્રધાનનું નિધન થયું છે જેઓનાં નામ જ
દિલ્હીમાં નથી. પીએમ મોદીએ તમામ વડાપ્રધાનને સમ્માન આપ્યું અને મ્યુઝિયમ બનાવ્યું છે.
મનમોહનસિંહને પણ જગ્યા આપવામાં આવશે.