નવી દિલ્હી, તા.
29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર વર્ષની અંતિમ મન કી બાત કરી હતી. આ દરમિયાન પીએમ
મોદીએ સંવિધાનને પથદર્શક ગણાવ્યું હતું.પીએમ મોદીએ મહાકુંભની ભવ્યતાનો પણ ઉલ્લેખ કર્યો
હતો. તેમણે કહ્યું હતું કે 2025ના 26 જાન્યુઆરીના રોજ સંવિધાન લાગુ થયાના 75 વર્ષ થવા
જઈ રહ્યા છે. જે ગૌરવની વાત છે. સંવિધાન નિર્માતાઓએ જે સંવિધાન સોંપ્યું છે તે સમયની
દરેક કસોટી ઉપર ખરૂ ઉતર્યું છે. સંવિધાન આપણા માટે માર્ગદર્શક છે. સંવિધાનના કારણે
જ પોતે આજે લોકો સાથે વાત કરવા સક્ષમ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 13 જાન્યુઆરીથી
પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. વર્તમાન સમયે સંગમ તટે ભવ્ય તૈયારી ચાલી
રહી છે. મોદીએ કહ્યું હતું કે કુંભમાં ભાગ લેવાની સાથે સમાજમાં વિભાજન અને નફરતની ભાવનાને
ખતમ કરવાનો સંકલ્પ લેવામાં આવે. કુંભ આયોજનમાં પહેલી વખત એઆઈ ચેટબોટનો ઉપયોગ થવાનો
છે. એઆઈ ચેટ બોટ મારફતે કુંભ સંબંધિત તમામ જાણકારી 11 ભારતીય ભાષામાં મળી શકશે તેમજ
ભેદભાવ, નાના મોટાનો તફાવત રહેશે નહી. એટલે જ કુંભ એકતાનો મહાકુંભ છે. પીએમ મોદીએ આગળ
કહ્યું હતું કે, મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નહી પણ વિવિધતામાં પણ છે.
આ આયોજનમાં કરોડો લોકો એકસાથે એકત્રિત થાય છે. લાખો સંત, હજારો પરંપરા, સેંકડો સંપ્રદાય,
અનેકો અખાડા દરેક આયોજનનો હિસ્સો બને છે. તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. પીએમ
મોદીના કહેવા પ્રમાણે ડિજીટલ નેવિગેશનની મદદથી મહાકુંભ 2025માં વિભિન્ન ઘાટ, મંદિર
અને સાધુઓના અખાડા સુધી લોકો પહોંચી શકશે. આ નેવિગેશન સિસ્ટમ પાર્કિંગ સ્થળે પહોંચવામાં
પણ મદદ કરશે. પુરા મેળાના વિસ્તારને એઆઈ સંચાલિત કેમેરાથી કવર કરવામાં આવી રહ્યો છે.