• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

દ. કોરિયામાં વિમાન અગનગોળો; 179 મોત

સિયોલ, તા. 29 : દુનિયાભરમાં ચર્ચા જગાવનાર વધુ એક ખતરનાક હવાઇ દુર્ઘટનાથી દક્ષિણ કોરિયામાં ભારે અરેરાટી ફેલાઇ છે. જેજૂ એરલાઇન્સનું એક વિમાન રવિવારની સવારે મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૂટી પડતાં સર્જાયેલા લોહિયાળ અકસ્માતમાં 179 યાત્રીના કરપીણ મોત થઇ ગયાં હતાં, તો અન્ય અનેક યાત્રી ગંભીર હદે ઘાયલ?થયા હતા. મરણાંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. બોઇંગ 737-800 વિમાન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું, ત્યારે કાળજાં કંપાવી દેનારી આ દુર્ઘટના બની હતી. આ વિમાન દુર્ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એકમાં જોઇ શકાય છે કે, વિમાન રન-વે પર ઉતરાણ કરી રહ્યું હોય છે, ત્યારે અચાનક રન-વે પર લપસી જઇને બેરિકેડીંગ સાથે ટકરાઇ જાય છે. તૂટયા બાદ વિમાન આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું. બીજા વીડિયોમાં કારનો એક કાફલો જતો દેખાય છે, જેની પાછળ તૂટી પડેલાં વિમાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડા નીકળતા દેખાય છે. વેંડિંગ ગિયરમાં યાંત્રિક ખામી આવી જતાં એરપોર્ટ ઉતરાણ કરતી વખતે વિમાનના પૈડાં ખુલી શક્યાં નહોતાં. અહેવાલ અનુસાર દુર્ઘટનાથી પહેલાં મુઆન એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા વિમાન સાથે પક્ષી ટકરાવાનું એલર્ટ મળ્યું હતું. એરપોર્ટ પર ઉતરાણ માટે બેવાર પ્રયાસ કરાયા હતા. પહેલીવારમાં લેન્ડિંગ ગિયર નહીં ખૂલવાથી ઉતરાણ કરી શકાયું નહોતું. આખરે પાઈલટે બીજીવાર વિમાનને લેન્ડિંગ ગિયર વગર જ બેલીલેન્ડિંગ એટલે કે, વિમાનની બોડીના બળે ઉતરાણ કરાવવાનો ફેંસલો કર્યો હતો. કેટલાક અહેવાલોમાં વિમાન સાથે પક્ષી ટકરાતાં લેન્ડિંગ ગિયર ખરાબ થઇ ગયાં અને પૈડાં ખૂલી શક્યાં નહોતાં, તેવો દાવો કરાયો હતો. આગ પર કાબૂ મેળવતાં પોણો કલાક લાગી ગયો હતો, ત્યાં સુધીમાં વિમાન આખેઆખું સળગીને રાખ થઇ ગયું હતું. દરમ્યાન જેજૂ એરલાઇન્સના સીઇઓ કિમ ઇ-બેએ માફી માગતાં કહ્યું હતું કે, દુર્ઘટના પાછળ જે પણ કારણ હોય, તે પરંતુ સીઇઓ તરીકે હું પૂરી જવાબદારી લઉં છું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd