નવી દિલ્હી, તા.
27 : પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શનિવારે સવારે 10-11 દરમ્યાન દિલ્હીમાં શક્તિ
સ્થળ પાસે અંતિમ વિદાય આપવામાં આવશે. ર1 તોપની સલામી સાથે સર્વોચ્ચ રાજકીય સમ્માનથી
તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે પાર્થિવ દેહને કોંગ્રેસના મુખ્યાલય
ખાતે લઈ જવાશે. ત્યારબાદ સવારે 9:30થી અંતિમયાત્રા નીકળશે. દરમ્યાન કોંગ્રેસે દિવંગત
પૂર્વ પીએમ મનમોહનસિંહ માટે તેમનાં કદ અનુસાર અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જમીન ફાળવવાની
માગણી કરી હતી. ડો.મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત
તેમનાં નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ડો.સિંહનાં પુત્રી અમેરિકા
રહે છે, જે શુક્રવારે મોડી રાત્રે દિલ્હી આવી પહોંચ્યા હતા. ગુરુવારે રાત્રે મનમોહન
સિંહનું નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને એઈમ્સથી નિવાસસ્થાને લવાયા બાદ વડાપ્રધાન
મોદી, ગૃહમંત્રી શાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરેએ નિવાસસ્થાને
જઈ તેમનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વીવીઆઈપીઓ સાથે સામાન્ય જનને પણ
અંતિમ દર્શનની મંજૂરી અપાઈ હતી. કેબિનેટ બેઠકમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલી પાઠવી શોક
ઠરાવ પસાર કરાયો હતો. કોંગ્રેસ કાર્યકારિણી સમિતિએ ડો. સિંહને અંજલિ આપી હતી. પક્ષના
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખી અંતિમ સંસ્કાર માટે યોગ્ય જગ્યા ફાળવવા
માંગ કરી હતી. ખડગેએ જણાવ્યું કે, જ્યાં તેમનું સ્મારક બની શકે તેવા સ્થળે જ ડો. સિંહના
અંતિમ સંસ્કાર થવા જોઈએ. કોંગ્રેસના મહામંત્રી અવિનાશ પાંડેએ જણાવ્યું કે કોંગ્રેસ
અધ્યક્ષ ખડગે અને સિંહનો પરિવાર આ બાબતે સરકારથી વાતચીત કરી રહ્યા છે. 10 વર્ષ સુધી
વડાપ્રધાન પદે રહેલા ડો.મનમોહન સિંહના પાર્થિવ દેહને પ્રોટોકોલ હેઠળ તિરંગામાં લપેટવામાં
આવશે તથા અંતિમયાત્રામાં સામાન્યજનથી માંડી રાજનેતાઓ, ગણમાન્ય લોકો, સૈન્ય બેન્ડ તથા
સશત્ર દળના જવાનો સામેલ થશે.