• રવિવાર, 29 નવેમ્બર, 2026

ફરી હાજીપીર માર્ગ રક્તરંજિત : બે શિક્ષિકાના મોત

નખત્રાણા, તા.28 : પશ્ચિમ કચ્છમાં ગોઝારા અકસ્માતોની વણઝાર લાગી છે.મંગળવારનો હાજીપીર માર્ગે ઢોરા પાસેના અકસ્માતમાં બે બાળક અને શ્રમિક દંપતિના મોતનો બનાવ તાજો જ છે ત્યાં આજે ફરી આ જ માર્ગ પર રોંગ સાઇડમાં પૂરપાટ આવતા ટ્રેઇલરે સ્કૂટી પર સવાર બે શિક્ષિકા એવા મૂળ અમદાવાદ હાલે દેશલપર (ગું.)ના ઋષિતાબેન રશ્મિકાંત શાહ (37) અને પાછળ બેઠેલા મૂળ અમરેલી હાલે નખત્રાણાના સંધ્યાબેન કરણસિંહ રાણા (39)ને અડફેટે લઇ કચડી નાખતાં ઘટના સ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નીપજતાં પંથક તથા શિક્ષક સમાજમાં અરેરાટી વ્યાપી છે.આ કરુણ અકસ્માત અંગે હાજીપીર પોલીસ મથકે મૃતક સંધ્યાબેનના સસરા અનિરુદ્ધસિંહ જે. રાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સ્કૂટી નં.જી.જે.27-એચ.એફ.9195વાળીથી ઋષિતાબેન અને તેની પાછળ બેઠેલા ફરિયાદીના પુત્રવધૂ સંધ્યાબેન આજે સવારે 7.45 વાગ્યાના અરસામાં ઢોરાના બસ સ્ટેશન પાસે માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડે પૂરપાટ આવતા ટ્રેઇલર નં.એચ.આર.38-એ.જી.1350એ આ સ્કૂટીને અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજા પહોંચતાં મોત નીપજાવી ટ્રેઇલરચાલક નાસી છૂટયો હતો.પોલીસે ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દરમ્યાન આ રક્તરંજિત અકસ્માતના પગલે આસપાસ તથા રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળાં ઉમટયા હતા અને અરેરાટી વ્યાપી હતી.આ દુર્ઘટનાના સમાચાર મળતાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, ગૌતમ ચૌધરી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન દિનેશ રૂડાણી, કચ્છ જિલ્લા શિક્ષક સમાજ પ્રમુખ નયનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના રામુભા જાડેજા, કેતન પટેલ, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા સહિતના સહયોગી બન્યા હતા.બંને શિક્ષિકાઓને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.સંબંધિતો પાસેથી મળેલી જાણકારી મુજબ ઋષિતાબેન શાહ (દિવાન) ઉઠંગડી અને સંધ્યાબેન રાણા (ગોહિલ) લુડબાય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા.બંને મૃત શિક્ષિકાઓ પાછળ એક-એક સંતાનને વિલાપ કરતા મૂકી ગયા છે.સંધ્યાબેનની બદલી થતાં રિપોર્ટ દેવાઇ જઇ રહી હતી પણ મહેકમની હાજરી ન હોવાથી છૂટા થઇ શક્યા ન હતા.હજુ ચાર દિવસ પહેલાં જ આ માર્ગ રકતરંજિત બન્યો હતો જેમાં શ્રમિકોના બે બાળક સહિત દંપતી એમ ચાર લોકો કાળનો કોળિયો બન્યા હતા.નવા બનેલા આ સીસી રોડ પર ભારેખમ વાહનો પૂરપાટ માતેલા સાઢની જેમ દોડી રહ્યા હોવાથી આવા કરુણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે.આથી આવા વાહનો પર નિયંત્રણ ગોઠવવા સતત પોલીસ કાર્યવાહી જરૂરી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષિકાઓ મૃત્યુ પામતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને તાત્કાલિક સહાય અપાવવા તંત્રને જાણ કરી હતી.- એક સપ્તાહમાં ત્રણ ગોઝારા અકસ્માતમાં 13 જિંદગી પૂર્ણ : ભુજ, તા.28 : કચ્છમાં પ્રવાસન અને ઔદ્યોગિકરણના પગલે વાહનોની અવર-જવર વધી છે જેને લઇ માર્ગ અકસ્માતના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે.છેલ્લા એક સપ્તાહમાં જ પશ્ચિમ કચ્છમાં ત્રણ ગોઝારા અકસ્માતમાં13 જિંદગી પર પૂષર્ણ વિરામ મુકાઇ ચૂકયું છે.તા.21-11ના શનિવારે રાત્રે ભુજ-ખાવડા માર્ગે વેકરિયાના રણ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આર્મી પરિવારના ત્રણ નાના બાળકો, બે પુરૂષ અને બે મહિલા સહિત સત લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.આ કરુણ બનાવના લખાણની શાહી હજુ સુકાઇ ન હતી ત્યાંજ ત્રીજા-ચોથા દિવસે હાજીપીર માર્ગે ઢોરો પાસે રોડ પર કામ કરતા શ્રમિકો પોતાનો ટ્રેકટર સાઇડમાં મૂકી તેના છાંયડા તળે જમવાની તૈયારી કરતા હતા ત્યાંજ ધસમસતી આવતી ટ્રકે ટ્રેકટરને ટક્કર મારતા પલટેલા ટ્રેકટર નીચે શ્રમિકો-બાળકો દબાયા હતા.આ અકસ્માતમાં બે બાસૂમ બાળકો અને શ્રમિક દંપતી એમ ચારના મોત નીપજ્યા હતા હવે કરુણ બનાવના ચોથા દિવસે ફરી ઢોરા પાસે જ સ્કૂટી પર સવાર બે શિક્ષિકાઓને ટ્રેલરે કચડીને મોતને ઘાટ ઉતારી દીધા છે.આમ બેફામ રીતે દોડતા આવા ભારે વાહનોને નિયંત્રિત કરી પરિણામલક્ષી પોલીસ અને સબંધિત વહીવટી તંત્ર કામગીરી કરે તે જરૂરી બન્યાનું જાગૃતો જણાવી રહ્યા છે.

 

Ram Katha

Vyapar Utsav

Panchang