ગાંધીધામ, તા.27 : વાગડના પાણીધર ગામની સીમમાં શિકાર કરવાના ઈરાદે
ઘાતક હથિયારો સાથે આવેલા અને બાદમાં યુવાન ઉપર બંદૂક વડે ફાયરિંગના પ્રકરણમાં એક શખ્સના
નિયમિત જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હતી.આરોપીઓ પાણીધર ગામની સીમમાં ઘાતક હથિયારો સાથે શિકાર કરવાના ઈરાદે આવ્યા હતા.જેને અટકાવવા જતાં આરોપી હનિફ લતિફ નારેજાએ ફરિયાદીની છાતી સામે બંદૂક તાકી હતી અન્ય
આરોપી અલ્તાફ દિનમામદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, નઝરમામદ ઈસ્માઈલ
હિંગોરજાએ ગોળીબાર કરવા ઉશ્કેર્યો હતો.આરોપીએ ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ફરિયાદીએ
જીવ બચાવવા બંદૂકની નાળ ઉપર તરફ ધકેલી દેતાં ગોળી છૂટી ગઈ હતી.આ પ્રકરણ અંગે આરોપીઓની
અટક કરી ભચાઉ કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી.દરમ્યાન આરોપી હનીફ નારેજાએ નિયમિત
જામીન પર છૂટવા અરજી કરી હતી જેમાં સરકારી વકીલે ગંભીર ગુનામાં આરોપીની સક્રિય ભૂમિકા
અને સમાજમાં ખોટો સંદેશ જવાની દલીલ સાથે જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો.બન્ને પક્ષની
દલીલો બાદ ન્યાયાધીશે આ શખ્સની જામીન અરજી નામંજૂર કરી હતી.
આ કેસમાં સરકાર તરફે સરકારી
વકીલ ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજા હાજર રહી દલીલો કરી હતી.