મંગળવારે વજીરાવાંઢ ફાટક પાસે - હાજીપીર રોડ પર બપોરે એક શ્રમજીવી
પરિવાર ટ્રેક્ટરની ઓથે છાંયડામાં ભોજન કરવા બેઠો હતો કે, કાળમુખી ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં સર્જાયેલી
કરુણાંતિકામાં બે માસૂમ સહિત ચાર જણ કાળનો કોળિયો બની ગયા... એવા જ અન્ય એક ભયાનક અકસ્માતમાં
ખાવડા રોડ પર વેકરિયાનાં રણ પાસે શનિવારે રાત્રે ઓવરટેકના ચક્કરમાં એક કાર ટ્રક સાથે
ધડાકાભેર અથડાતાં સાત હસતી-રમતી જિંદગી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. આ તો બે કે ત્રણથી
વધુ મોતની ઘટના છે. એકલ-દોકલ અકસ્માતમાં કચ્છમાં
સરેરાશ દરરોજ બેથી ચાર જણ મોતને ભેટે છે. અનેક ઘાયલ થાય છે. કેટલાય પરિવાર વિંખાઈ જાય...
કુટુંબની કમાનારી વ્યક્તિ અકાળે મોતને ભેટે કે અપંગ થઈ જાય એ સાથે સમગ્ર પરિવારની દશા
બેસે છે. બાળકોના અભ્યાસ, દીકરીનાં લગ્ન... મા-બાપ, પત્ની પ્રત્યેની જવાબદારી એ બધાનું શું? કચ્છમાં રાક્ષશી
કદે પહોંચેલી ઔદ્યોગિક પ્રવૃત્તિ અને પરિવહનને લીધે અકસ્માતોનું પ્રમાણ ચોંકાવનારી
હદે વધી ગયું છે. માત્ર ચાલુ નવેમ્બર મહિનામાં જ કચ્છના માર્ગો પર 19 અકસ્માત થયા, જેમાં 35 જણે જીવન ગુમાવ્યું અને ઈજાગ્રસ્ત
થયા એ જુદા. દરરોજ સર્જાતા અકસ્માતો પાછળનાં કારણ લગભગ એક જેવાં જ હોય છે. કયાંક રસ્તાની
દુર્દશાભરી સ્થિતિ વાહનચાલકને રોંગ સાઈડમાં ચાલવા કે ખાડા કુદાવવા માટે સ્ટિયરિંગને
આમતેમ ઘુમાવવા મજબૂર કરે છે... ક્યારેક બિનજરૂરી ઉતાવળ... મસ્તીભર્યા મૂડમાં પૂરપાટ
વાહન દોડાવવાં જતાં સુરક્ષાની લક્ષ્મણરેખા ચુકાઈ જાય છે અને વાસ્તવિકતા એ પણ છે કે, ટ્રક, ટેન્કર જેવાં ભારેખમ
વાહનો અપવાદને બાદ કરતાં બેફામ દોડતાં હોય છે. ઓવરલોડ ગતિ, શિખાઉ
ડ્રાઈવરો હાથ અજમાવતા હોય આ કારણ પણ જવાબદાર છે. વેકરિયા પાસે અકસ્માતનો ભોગ બનનારા
લશ્કરી જવાનનો પરિવાર કચ્છની સહેલગાહે આવ્યો હતો. નાનાં ભૂલકાંના ક્ષત-વિક્ષત મૃતદેહ
જોઈને પાષાણ હૃદયનાં માનવીનું હૈયું વલોવાઈ જાય... પ્રશ્ન એ છે કે, કિંમતી માનવજીવનને બરબાદ થતું રોકવું કઈ રીતે? જિલ્લા
કલેકટરે ઉચ્ચાધિકારીઓની ટીમ સ્થાને અકસ્માતનાં સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ
વિભાગને સૂચનાઓ આપી. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહતના ત્વરિત પગલાંમાં
સંવેદનશીલતા છતી થઈ એ ખરું, પરંતુ માર્ગ રખરખાવ, રિપેરિંગ, ટ્રાફિક સંબંધિત સંજ્ઞા ચિહ્નોની ગોઠવણ,
ગતિ અવરોધક એ બધામાં નિયમોનું પાલન ક્યાં થાય છે? દુર્ઘટના વખતે સંબંધિત તંત્રો સફાળાં જાગે, પગલાંની વાતો
થાય, પરંતુ સમય જતાં બધું કાગળ પર જ રહી જાય છે. કચ્છ જેવા વિસ્તારમાં
ઔદ્યોગિકીરણ અને પ્રવાસન વધવાની સાથે ભારે વાહનોની અવરજવરમાં અકલ્પનીય વધારો થયો છે,
પરંતુ તેની સામે રસ્તાઓની ગુણવત્તા અને સુરક્ષાના માપદંડો હજુ પણ પાછળ
છે. ભુજ-ખાવડા જેવા વ્યસ્ત માર્ગો પર બેફામ દોડતાં ભારે વાહનો, ઓવરલાડિંગ, રસ્તા પરના ખાડાઓ અને સાઇન બોર્ડનો અભાવ અકસ્માતોને
ખુલ્લું આમંત્રણ આપે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં તંત્રની ઢીલી નીતિ અને માત્ર
દંડ ઉઘરાવવા પૂરતી મર્યાદિત કામગીરીને કારણે વાહનચાલકોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
જો કે, આ કરુણાંતિકાઓ માટે માત્ર તંત્રને જ દોષી ઠેરવીને આપણે
આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. અકસ્માતો પાછળ આપણી પોતાની બેદરકારી અને ઉતાવળ
પણ એટલી જ જવાબદાર છે. રસ્તા પર નીકળતી વખતે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા,
ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરવું, ઓવરટેક કરવાની ઉતાવળ,
વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ અને નશાની હાલતમાં ડ્રાઈવિંગ - આ તમામ
બાબતો આપણા પોતાના હાથમાં છે. ઘણીવાર આપણી નાનકડી ભૂલની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે
છે. માર્ગ અકસ્માતો અટકાવવા માટે હવે માત્ર સમીક્ષાઓ નહીં, પરંતુ
નક્કર અને કાયમી પગલાંની તાતી જરૂર છે. રસ્તાઓનું વૈજ્ઞાનિક ઢબે નિર્માણ, ભારે વાહનો માટે અલગ લેન અથવા સમયમર્યાદા, સ્પીડ ગન અને
સીસીટીવી કેમેરા દ્વારા કડક મોનિટારિંગ અને અકસ્માત સમયે તાત્કાલિક તબીબી સારવાર મળી
રહે તેવી `ગોલ્ડન અવર' વ્યવસ્થા
ઊભી કરવી અનિવાર્ય છે. આ સાથે જ, દરેક નાગરિકે પણ સ્વયંશિસ્ત
કેળવવું પડશે. જ્યાં સુધી તંત્રની જવાબદેહી નક્કી નહીં થાય અને નાગરિકોમાં ટ્રાફિક
સેન્સ નહીં આવે, ત્યાં સુધી કચ્છના રાજમાર્ગો પર મોતનું તાંડવ
અટકવાનું નથી. હવે જાગવાનો સમય પાકી ગયો છે, નહિતર આગામી નંબર
આપણો કે આપણા કોઈ સ્વજનનો હોઈ શકે છે.