ગાંધીધામ, તા. 10 : લખપત તાલુકાના મુરચબાણ ગામની
સીમમાં ગેરકાયદેસરસ બેન્ટોનાઈટ ખનિજચોરી સામે કડક કાર્યવાહી કરવા પહોંચેલી મહેસૂલ વિભાગની
ટીમ પર આરોપીઓ દ્વારા ગાળાગાળી, છૂટા
પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના બહાર આવી છે. સરકારી ફરજમાં રુકાવટ,
ખનિજચોરી બદલ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દયાપર મામલતદાર નવીનચંદ્ર
મૂલજી મારુએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 4/9ના મોડી રાત્રે પોતાના ઘરે
આરામ કરતા હતા ત્યારે બે વાગ્યાના અરસામાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જ્વલએ
તેમને ફોન કર્યો હતો અને તેમની ટીમ દ્વારા મુરચબાણ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર
ખનિજચોરી કરતા બે હિટાચી મશીન પકડી પાડયાં છે, જેથી તાત્કાલિક તમે અને તમારી ટીમ અહીં આવો તેવું જણાવ્યું હતું. આ ફરિયાદી,
મામલતદાર અને તેમની ટીમ મોડીરાત્રે આ જગ્યાએ સીમ વિસ્તારમાં પહોંચ્યા
હતા ત્યારે ખનિજચોરી માટેના બે હિટાચી મશીન અને ટ્રકો ઊભેલી નજરે પડી હતી. મહેસૂલી અધિકારીઓએ સ્થળ પર હાજર રાજુ રબારી, લાખુભા જાડેજા તથા એક અજાણ્યા શખ્સ પાસે બેન્ટોનાઈટ
ખનન તથા પરિવહન સંબંધિત કાયદેસરના પાસ પરમિટ કે આધાર પુરાવા માગ્યા હતા. પરંતુ આ શખ્સોએ
કાગળો રજૂ કરવાના બદલે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને અધિકારી સામે અપશબ્દો બોલવા લાગ્યા
હતા. એટલું જ નહીં આ શખ્સોએ સરકારી કર્મીઓ
પર છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો અને કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. જો કે,
સદનસીબે કોઈને ઈજાઓ પહેંચી નહોતી કે વાહનમાં નુકસાન થયું નહોતું. પ્રાંત
અધિકારીની લેખિત સૂચનાના આધારે મામલતદાર દ્વારા દયાપર પોલીસ મથકે રાજુ રબારી,
લાખુભા જાડેજા તથા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ખનિજચોરો
પૂર્વ-પશ્ચિમ કચ્છમાં બેફામ બન્યા છે, તેવામાં સરકારી કર્મીઓ
ઉપર હુમલાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે દયાપર પોલીસે ગુનો નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.