ભુજ, તા. 10 : શહેરમાં નિયમો નેવે મૂકી આડેધડ ગતિભેર ચલાવતા રિક્ષા-છકડાચાલકો કોઈ નાગરિકના જીવ લે તે પહેલાં તેમની સામે ટ્રાફિક પોલીસ કડક પગલાં ભરી કાયદાનું ભાન કરાવે તેવી લોકમાંગ ઊઠી છે. જાગૃત નાગરિકોએ ઉપરોક્ત બાબતે ફરિયાદ કરતાં જણાવ્યું કે, ભુજમાં ટ્રાફિક અનિયંત્રિત બની ગયો છે. તેના વચ્ચે એક તરફ છાકટા બની ગતિભેર વાહનો હંકારતા લવરમૂછિયાઓ રાહદારી-વાહનચાલકોના જીવ તાળવે ચોંટાડી રહ્યા છે, તો બીજી તરફ રિક્ષા-છકડાના અનેક ચાલકો બેફામ બની ગમે તેમ વાહન હંકારી નાગરિકોના જીવનું જોખમ સર્જી રહ્યા છે. અમુક ચાલકો પેસેન્જરની લહાયમાં માર્ગ વચ્ચે અચાનક રિક્ષા-છકડો ઊભા રાખી દે છે જેના કારણે પાછળ આવતા નાના વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે જેથી અકસ્માત અથવા તો વાહન પરથી પડી જવાના બનાવો વધી ગયા છે. વળી, જો કોઈ આમ નાગરિક જરા પણ કંઈ કહે તો રિક્ષા-છકડાચાલક દાદાગીરી પર ઊતરી આવે છે અને ઝઘડો કરવા તત્પર હોય તેવી પણ ફરિયાદો ઊઠી છે. ભુજમાં ગમે ત્યાં રિક્ષા-છકડા ઊભા રાખી ટ્રાફિક સમસ્યા સર્જવી, અચાનક માર્ગની વચ્ચોવચ્ચ બ્રેક મારી પેસેન્જર બેસાડવા, વાંક હોવા છતાં નાગરિકો સામે દાદાગીરી, આડેધડ રિક્ષા-છકડા ફુલ સ્પીડથી હંકારી અચાનક વળાંક લઈ અન્ય નાગરિકોના જીવ પર જોખમ સર્જનારા આવા ચાલકો સામે ટ્રાફિક પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે અને નાગરિકોના જીવ પરનું જોખમ ઘટાડો તેવી લોકમાંગ ઊઠી છે.