ગાંધીધામ, તા. 10 : રાપરના દેશલપરમાં રહેતા ખેડૂતને
હાર્વેસ્ટિંગ મશીન તથા ફાર્મ હાઉસની સબસિડી પાસ કરાવવાનું કહી તેમની પાસેથી રૂા. 26,36,151 પડાવી લઇ બાદમાં રૂપિયા ન આપી
સબસિડી મંજૂર ન કરનારા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દેશલપરમાં રહેતા ફરિયાદી
ખેડૂત મૂળજી લાધા ભૂષણ (પટેલ) નામના યુવાન ગત તા. 21/7/2025ના પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો, જેમાં કિસાન યોજના અંતર્ગત ખેતી કામ માટે હાર્વેસ્ટિંગ
મશીનની રૂા. 16 લાખની સબસિડી
મંજૂર કરી આપશું તેવું જણાવાયું હતું, જેમાં આપેલી લિંક ખોલતાં સામેથી પ્રદીપસિંહ જાડેજા નામના શખ્સે ફોન કરી મારી
ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ સાથે ઓળખાણ છે. 16 લાખની સબસિડી માટે રૂા. પાંચ
લાખ આપવાની વાત કરી હતી. ફરિયાદીએ હા પાડતાં આ શખ્સે જુદા-જુદા નંબર મોકલી તેના ઉપર
ડિજિટલ ચૂકવણું કરવા કહ્યું હતું. શરૂઆતમાં સુજારામ દેવાશી, સાધુ કુંદન શંકરદાસ, સૂરજ
સોનકર, રત્નેશકુમાર ગુપ્તા, અમન શેઠને જુદા-જુદા
ટ્રાન્ઝેક્શન થકી રૂા. 4,21,101 ચૂકવી
આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ આ પ્રદીપસિંહને ફોન કરી સબસિડી આપવા અથવા પોતાના રૂપિયા
પરત કરવા માંગ કરી હતી. દરમ્યાન આ શખ્સે ફાર્મ હાઉસ બનાવવા એક કરોડની સબસિડીની લાલચ
આપી હતી અને તેના માટે વધુ રૂપિયાની માંગ કરી હતી. દરમ્યાન ફરિયાદીએ પોતાના ઓળખીતાઓ
પાસેથી ઉછીના રૂપિયા લઇ તથા પોતાની જમીન વેચીને જુદા-જુદા આંગડિયા મારફતે ભાવનગર વોરા
બજારમાં અશ્વિન, મુંબઇમાં અજય, મુંબઇમાં નીલેશ, ભાવનગરમાં અજય, ભાવનગરમાં અભિષેક વગેરેને એમ કરીને કુલ્લ રૂા. 22,15,050 મોકલી આપ્યા હતા. બાદમાં પ્રદીપસિંહ
જાડેજાને વોટ્સએપ કોલ અને સાદો ફોન કરતાં તેણે શરૂઆતમાં વાયદા કર્યા હતા, બાદમાં તેનો ફોન બંધ આવતો હતો. પોતાની સાથે
છેતરપિંડી થઇ હોવાનું જાણાતાં આ ફરિયાદીએ 1930માં ફરિયાદ કર્યા બાદ બાલાસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.