• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

શિણાય ડેમથી 27 વર્ષે પણ પાણી ગાંધીધામ-આદિપુર પહોંચ્યું નથી

ગાંધીધામ, તા. 10 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો સાથે મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પીવાના પાણીને ગંભીર સમસ્યા યથાવત છે. ટપ્પર ડેમ તથા વીડી નાગલપર ના બોર અને અજાપર થી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી અપાય છે પણ અપૂરતો જથ્થો મળતો હોવાથી લોકોને પાણીની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે મહાનગરપાલિકા વિસ્તારનો ખુદનો પાણીનો સ્ત્રોત નથી વર્ષ 5 મેં 1999 થી લઇ ને વર્ષ 10 સપ્ટેમ્બર 2026 એટલે કે 27 વર્ષથી શિણાય ડેમથી પાણી ગાંધીધામ આદિપુર પહોંચ્યું નથી.  1980 ના દાયકા પછી 1999 માં તત્કાલીન સમયની નગરપાલિકાની સામાન્ય સભામાં શિણાય ડેમથી પાણી લેવા માટે પાંચ લાખ રૂપિયા ના ખર્ચે પાઇપલાઇન નાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર પછી 27 વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં શિણાય ડેમનું પાણી હજુ સુધી ગાંધીધામ આદિપુર સુધી પહોંચ્યું નથી. ખાટલે મોટી ખોટ એ છે કે તાજેતરમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે મશીનરી વસાવીને આદિપુર પાણી પહોંચાડવા માટેની તૈયારીઓ કરીને લોકાર્પણ કર્યું હતું. ત્યાર પછી માત્ર કિડાણા ને પાણી પહોંચ્યું પરંતુ આદિપુર પાણી પહોંચાડવામાં મશીનરીની ક્ષમતા નો હોવાથી આખી યોજના હાલના સમયે નિષ્ફળ ગઈ છે. તાજેતરમાં ડેમ ઉપરથી કેબલ ચોરી થઈ ગયા છે જેના કારણે કિડાણા નું પાણી પણ બંધ થઈ ગયું છે. અને હવે સક્ષમ મશીનરી નાખીને પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ગાંધીધામ સંકુલ માટે શિણાય ડેમ જીવા દોરી સમાન બની શકે તેમ છે આપાતકાલની પરિસ્થિતિમાં પણ ડેમથી પાણી મળી રહે તેવી સંભાવના છે પરંતુ કમનસીબીએ છે કે પૂરતા પ્રયાસો અને ચીવટ પૂર્વક કામગીરી ન થતી હોવાથી 27 વર્ષનો લાંબો સમયગાળો વીતી જવા છતાં ડેમનું પાણી ગાંધીધામ આદિપુર સુધી પહોંચ્યું નથી. અને હજુ પણ ટપર ડેમ ઉપર આધાર રાખવો પડે છે. - મહાનગરને 70 એમએલડીથી વધુ પાણીની જરૂરિયાત : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને 11 ગામડા ના મહાનગરપાલિકા વિસ્તારને લગભગ 70 એમએલડીથી વધુની પાણીની જરૂરિયાત છે.  તેની સામે જોડિયા શહેરોમાં માત્ર 35 એમ એલ ડી પાણી મળી રહ્યું છે.વ્યાપક રજૂઆતો પછી તાજેતરમાં જથ્થામાં વધારો કરાયો છે.નહીંતર 25 થી 30 એમએલડી ની વચ્ચે પાણી મળી રહ્યું હતું. જરૂરિયાત 45 એમએલડી થી વધુ ની છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાણીની વ્યાપક જરૂરીયાત સામે નહિવત જથ્થો મળે છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કોર્પોરેટરો પણ મહાપાલીકાને રજૂઆત કરી રહ્યા છે. - રાજાશાહી વખતનો ડેમ 1958માં બોર્ડ હસ્તક આવ્યો : શિણાય ડેમ રાજાશાહી વખતમાં બન્યો છે પહેલા કંડલા પોર્ટ ટ્રસ્ટ હસ્તક હતો અને ત્યાર પછી સપ્ટેમ્બર 1958માં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા વીડી નાગલપર પાતાળ કુવાઓ આધારિત કંડલા પાણી પુરવઠા યોજના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સોંપવામાં આવ્યો છે.  ત્યારથી આ ડેમ પાણી પુરવઠા બોર્ડ હસ્તક છે પરંતુ દાયકાઓ વીતી ગયા છતાં બોર્ડ શિણાય ડેમથી ગાંધીધામ આદિપુર ને પાણી આપવામાં નિષ્ફળ રહ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd