ગાંધીધામ, તા. 2 : મેઘપર-કુંભારડીના રામેશ્વરનગર
રેસિડેન્સીમાં આવેલા એક મકાનમાં પોલીસે દરોડો
પાડી ઉચ્ચ ગુણવત્તાવાળા એવા હાઈડ્રોપોનિક (હાઈબ્રિડ) ગાંજા કિં. રૂા. 3,88,850 સાથે શખ્સને પકડી પાડયો હતો.
સ્થાનિક પોલીસે આજે વહેલી પરેઢે ગુપ્ત પૂર્વ બાતમીના આધારે તૈયારી કરી હતી. રામેશ્વરનગર
રેસિડેન્સીના મકાન નંબર-15માં રહેનાર
રોહિત હીરજી તુરી નામનો શખ્સ માદક પદાર્થ રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે
પોલીસ અહીં પહોંચી હતી. અહીં આ મકાનમાં રોહિત તુરી હાજર મળી આવ્યો હતો. તે જે પેટીપલંગ
ઉપર બેઠો હતો, તે પલંગ ખોલીને તપાસ કરાતાં
તેમાંથી પ્લાસ્ટિકની ચાર થેલી મળી આવી હતી, જેમાં આછા લીલા રંગની
ડાળખીઓ અને માદક પદાર્થ જણાયો હતો. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથક્કરણ
કરાતાં આ પદાર્થ હાઈબ્રિડ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ પકડાયેલા શખ્સ પાસેથી
રૂા. 3,88,850નો 111.1 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો, તેની પૂછપરછ કરાતાં તેણે ચારેક દિવસ પહેલાં
જામનગરના લક્કી નામના શખ્સ પાસેથી આ વેચાણથી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જામનગરના
આ લક્કીને પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.