ભુજ, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
દ્વારા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના `નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત દેશની યુવાશક્તિ અને નાગરિકોને સંબોધતાં
વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું અણુવ્રત સમિતિ ભુજના આયોજન હેઠળ તેરાપંથ
ભવન ખાતે સામૂહિક લાઇવ પ્રસારણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત
રહ્યા હતા અને આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું
હતું કે, નશો માત્ર વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યને પણ
ગંભીર અસર પહોંચાડે છે. વ્યસનમુક્ત ભારતનું નિર્માણ માત્ર સરકારની જવાબદારી નથી,
પરંતુ દરેક જાગૃત નાગરિકનું સામૂહિક કર્તવ્ય છે. ખાસ કરીને યુવાનોને
સંયમ, સ્વસ્થ જીવનશૈલી અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો અપનાવવા તેમણે
આહ્વાન કર્યું હતું. દેશવ્યાપી આ અભિયાનમાં 10 હજારથી વધુ સ્થળો એકસાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે એક કરોડથી વધુ યુવાનો અને નાગરિકોએ ભાગ
લઈને નશામુક્ત ભારતના સંકલ્પને સમર્થન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામૂહિક નશામુક્તિ પ્રતિજ્ઞા
લેવડાવાઈ હતી અને આગામી 100 અઠવાડિયા
સુધી દર રવિવારે જનજાગૃતિ, રમતગમત,
ફિટનેસ, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા
અભિયાનને સતત ગતિ આપવાની પણ શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના
એકાદશ આચાર્ય મહાશ્રમણજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ચાલી રહેલાં અણુવ્રત આંદોલન અને
નૈતિક જાગૃતિનાં અભિયાનનો પણ ઉલ્લેખ કરાયો હતો. આચાર્ય મહાશ્રમણજીએ વ્યસનમુક્તિ,
ચારિત્ર્ય નિર્માણ, નૈતિકતા અને માનવમૂલ્યોના પ્રસાર
માટે વર્ષોથી અવિરત જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે, જેના પરિણામે
હજારો લોકો સંયમમય અને વ્યસનમુક્ત જીવન તરફ આગળ વધ્યા છે. અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી
(અનુવિભા) દ્વારા દેશવ્યાપી નશામુક્તિ, નૈતિક જાગૃતિ અને ચારિત્ર્ય
નિર્માણના વિવિધ અભિયાનોની માહિતી પણ અપાઈ હતી. અણુવ્રત સમિતિ ભુજ, અનુવિભાના માર્ગદર્શન હેઠળ સમાજમાં સંયમ, સદાચાર,
વ્યસનમુક્તિ અને માનવમૂલ્યોના પ્રસાર માટે સતત કાર્યરત હોવાનું જણાવાયું
હતું. આ કાર્યક્રમમાં ઉપાસિકા પ્રેમલતાબેન નાહર તથા ઉપાસિકા મધુબેન નાહટાની ઉપસ્થિતિ
રહી હતી.આ કાર્યક્રમમાં મહાસભા પ્રતિનિધિ શાંતિલાલજી જૈન, નરેન્દ્ર
મહેતા, જૈન શ્વેતાંબર તેરાપંથ સભા ભુજના અધ્યક્ષ હસમુખભાઈ મહેતા,
મંત્રી ધનસુખભાઈ કુબડિયા, તેરાપંથ યુવક પરિષદ ભુજના
અધ્યક્ષ મયૂરભાઈ મહેતા, મંત્રી મીત મહેતા, તેરાપંથ મહિલા મંડળ ભુજના અધ્યક્ષા જાગૃતિબેન બાબરિયા, મંત્રી અદિતિબેન મહેતા, અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ
તથા અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી (અનુવિભા)ની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય મહેશ પ્રભુલાલ
મહેતા, મંત્રી નવીનભાઈ શાહ, ખજાનચી દિનેશ
મહેતા તેમજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ-ભુજના અધ્યક્ષ સ્નેહલભાઈ મહેતા અને મંત્રી સંદીપભાઈ
આચાર્ય સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો વિ.એ ઉત્સાહપૂર્વક
ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જૈન શ્વેતાંબર તેરાપંથ સભા-ભુજ, તેરાપંથ યુવક પરિષદ, તેરાપંથ મહિલા મંડળ, ટીપીએફ તથા અણુવ્રત સમિતિ-ભુજએ સંકલન કર્યું હતું.