નવી દિલ્હી, તા. 2 : ચલણી નોટમાં
ઘણા લોકો મોબાઇલ નંબર લખતા હોય છે, નોટને ગમે તેમ રાખીને બરબાદ કરે છે. જો કે આવી બેદરકારી દેશ ઉપર મોટો આર્થિક
બોજ આપી રહી છે. ભારતીય રિઝર્વ બેન્કના આંકડા અનુસાર માત્ર ત્રણ વર્ષમાં જ 62.13 અબજ નોટ ઘસાવા, ફાટવા અને ગંદી થવાનાં કારણે ચલણમાંથી બહાર
કરવી પડે છે. વિશેષજ્ઞો અનુસાર નોટોને સંભાળીને રાખવાની આદત તેની ઉંમર વધારી શકે છે
અને નોટ છાપવાના કારણે થતા ખર્ચમાંથી પણ રાહત આપી શકે છે. રિઝર્વ બેન્ક તરફથી અપાયેલી
માહિતી અનુસાર વર્ષ 2024-25 નોટ
ખરાબ થવાની દૃષ્ટિએ સૌથી ભારે વર્ષ રહ્યું હતું. આ વર્ષમાં 23.86 અબજ નોટ ચલણમાંથી બહાર કરવી
પડી હતી. 2025-26માં ખરાબ થવાના કારણે ચલણમાંથી
બહાર થનારી નોટની સંખ્યા ઘટીને 17.02 અબજ રહી હતી.
2023- 24માં 21.25 અબજ નોટ બજારમાંથી હટાવવી પડી
હતી. આ સંખ્યા બતાવે છે કે ચલણી નોટની સંભાળ અંગે લોકોમાં હજી પણ પર્યાપ્ત જાગૃતતા
નથી. આરબીઆઇ અનુસાર સૌથી વધારે માર 500 રૂપિયાની નોટ ઉપર પડી હતી. ત્રણ વર્ષમાં 21.30 અબજ નોટ ખરાબ થવાનાં કારણે
ચલણમાંથી બહાર કરવી પડી હતી. ત્યારબાદ 100 રૂપિયાની 17.67 અબજ નોટ પણ
પરત ખેંચવી પડી હતી.