નવી દિલ્હી, તા. 2 : દુશ્મન દેશ
આપણા ભારતના યુવાનોને નશામાં ધકેલવા માગે છે. ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવા દુશ્મન દેશોના
આતંકવાદી કારસાનો ભાગ છે. આપણે સાથે મળીને આ ષડયંત્રને નિષ્ફળ કરવાનું છે, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું
હતું. `નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ કરાવતાં વડાપ્રધાને કહ્યું હતું કે,
દેશના યુવાનો નશાથી દૂર રહીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનશે ત્યારે
જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. વડાપ્રધાને વીડિયો કોન્ફરસિંગ મારફતે સંબોધન કર્યું
હતું. આ અવસરે દેશનાં 28 હજારથી વધુ
સ્થળ પરથી જોડાયેલા એક કરોડથી વધારે યુવાને `િવકસિત ભારત'નો સંકલ્પ લીધો હતો.મોદીએ આ તમામ યુવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે,
આવનારા 100 સપ્તાહ સુધી
દર રવિવારે કલા, સંસ્કૃતિ, રમત અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓ સાથે નશામુક્તિનો સંદેશ દેશભરમાં પહોંચાડવાની
પહેલ કરાશે. યુવા પેઢીને સમજવા જેવો સંદેશ આપતાં વડાપ્રધાન બોલ્યા હતા કે, નશો સ્વપ્નો અને પરિવાર બંનેને તોડી નાખે છે. નશો યુવાનોનું ધ્યાન ભટકાવીને
ધીમે-ધીમે તેમનાં સ્વપ્નો, લક્ષ્યોથી દૂર લઇ જાય છે, તેવું કહેતાં મોદીએ યુવાનોને આ અભિયાનનું નેતૃત્વ કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં
ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, નશાનું ઝેર ઘુસાડીને દુશ્મન દેશો યુવાનોને નિશાન
બનાવી રહ્યા છે. આ નશો માત્ર વ્યક્તિ નહીં, પરંતુ રાષ્ટ્રની તાકાતને
નબળી પાડે છે.