ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ પોલીસ બેડામાંથી
અત્યંત ચોકાવનારી અને ચિંતાજનક વિગતો સામે આવી રહી છે. શિસ્ત અને કાયદાનું પાલન કરાવવા
માટે જાણીતા પોલીસ વિભાગના સર્વેલન્સ (ડી સ્ટાફ) તેમજ ટ્રાફિક શાખામાં અમુક એવાં તત્ત્વો
સક્રિય બન્યા છે જે પોતે પોલીસ કર્મચારી ન હોવા છતાં સામાન્ય જનતા પર પોલીસ જેવો રોફ
જમાવી રહ્યા છે. ખાનગી બાતમીદારનું કવચ પહેરીને ફરતા આવા અમુક શખ્સોનાં કારણે ગંભીર
સવાલો ઊભા થયા છે. અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છના કેટલાક પોલીસ
મથકોના સર્વેલન્સ સ્ટાફમાં અમુક ખાનગી શખ્સો સતત અધિકારીઓ કે કર્મચારીઓ સાથે ફરતા જોવા
મળે છે. માર્ગો પરથી પસાર થતાં સામાન્ય વાહનચાલકો કે શંકાસ્પદ લોકોને અટકાવીને આ શખ્સો
પોતે જ અસલી પોલીસ હોય તેવું વર્તન કરતા હોવાનું બહાર આવ્યું છે. તેમજ પોતાના અંગત
વાહનોમાં પોલીસ જેવા ધોકા કે અન્ય સાધનો રાખીને ફરતા આવા શખ્સોને આટલી છૂટ કોણે આપી
છે? તે પ્રશ્ન છે. આશ્ચર્યની વાત તો એ છે કે,
આવા શખ્સો મોટાભાગે અમુક અધિકારીઓ, સ્ટાફની અંગત
સેવામાં જ રચ્યાપચ્યા રહે છે. જેના બદલામાં તેમને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોવાનું પણ
જાણવા મળે છે. બીજી બાજુ આ શહેર સંકુલમાં 50 જેટલા ટી.આર.બી. ટ્રાફિક વ્યવસ્થા માટે મુકાયેલા છે, તે પૈકીના અમુકની ભૂમિકા પણ શંકાના ઘેરામાં
હોવાનું જણાય છે. સૂત્રોના મતે અમુક ટી.આર.બી. જવાનોને રસ્તાના પોઈન્ટ ઉપર ઊભા રહી
ટ્રાફિક નિયમન કરવામાં જોર આવે છે. આવા અમુક ટી.આર.બી.સાહેબોની સેવામાં લીન રહે છે.
સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, કેટલાક જવાનો અધિકારીઓ કે
સ્ટાફના નામે પ્રસાદી એકઠી કરવાનું જ કામ કરી રહ્યા છે. જો કોઈ નાગરિક પોતાના વાહનમાં
લાકડી કે ધોકો રાખે તો પોલીસ તરત ગુનો નોંધી લે છે, તો પછી આ
નકલી પોલીસિયા શખ્સો સામે આંખ આડા કાન કેમ તેવા પ્રશ્નો બહાર આવ્યા છે.આવા શખ્સોને
આવી સત્તા કોણે આપી? જ્યારે આમાંથી કોઈ શખ્સ કોઈ મોટો કાંડ કે
ગંભીર અપરાધ આચરશે ત્યારે જ પોલીસ જાગશે? ક્યાર સુધી આવી રીતે
દુરુપયોગ થવા દેવાશે તે સહિતના પ્રશ્નો ઉછળીને બહાર આવ્યા છે.