ભુજ, તા. 2 : અદાણી સંચાલિત ગેઇમ્સ જી. કે.
જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા જુલાઈનાં
અંતિમ અઠવાડિયામાં ઊજવાતા વિશ્વ ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેસન સોલ્યુશન) વીકની ઉજવણી કરવામાં
આવી હતી. ઝાડા - ઊલટી થઈ ગયા હોય તેવાં બાળકોને માતાની ઉપસ્થિતિમાં ઓઆરએસનું દ્રાવણ
કેમ અને ક્યારે પીવડાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળરોગ વિભાગના
હેડ ડો. રેખાબેન થડાનીએ હોસ્પિટલના બાળરોગ વોર્ડમાં દાખલ બાળકોની માતાઓને આ અંગે માર્ગદર્શન
આપતાં જણાવ્યું કે, ઓઆરએસ એ પાણી,
ખાંડ અને મીઠાનું સરળ દ્રાવણ છે, જે શરીરમાં પાણી
અને ક્ષારની ઉણપ તરત પૂરી કરે છે અને ઝાડા ઊલટી માટે સચોટ ઇલાજ છે. ઓઆરએસ ક્યારે આપવું
તે અંગે તેમણે જણાવ્યું કે, ઝાડા-ઊલટી શરૂ થાય, તાવ, પરસેવો કે લૂ લાગે તેમજ શરીરમાં પાણીની ઉણપ લાગે,
મોઢું સુકાવું, પેશાબ ઓછો આવવો, આંખો અંદર જવી વિગેરે લક્ષણો દેખાય, ત્યારે આપવાથી ફાયદો થાય છે. ઓઆરએસ સાથે ઝીંકની ગોળી આપવી આવશ્યક
છે. ઓઆરએસ સાથે બાળકને 14 દિવસ સુધી
રોજ એક ઝીંકની ગોળી આપવી સાથે હળવો ખોરાક જેમ કે,
કેળાં, ખીચડી, દહીં -છાશ
ચાલુ રાખવા અને બાળક ધાવતું હોય, તો તે પણ ચાલુ રાખવું,
પરંતુ જો બાળક ઓઆરએસ પી ન શકે,
ઝાડા ચીકણા અને લોહી આવતું જણાય, તો તરત ડોક્ટર
પાસે પહોંચવું એમ તબીબોએ જણાવ્યું હતું.