• રવિવાર, 05 જુલાઈ, 2026

સૂરજબારી ટોલપ્લાઝા નજીક ટ્રકની હડફેટે મહિલાનું મોત : દંપતી ઘાયલ

ગાંધીધામ, તા. 4 : ભચાઉના સૂરજબારી ટોલપ્લાઝા નજીક જશાપર વાંઢ તરફ જતાં કાર પાસે કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટમાં લેતાં ચોથીબેન ભીખા કોળીનું મોત થયું હતું, જ્યારે એક દંપતીને ઇજાઓ પહોંચી હતી તેમજ ભચાઉ નજીક અજાણ્યા બાઇકચાલકે હડફેટમાં લેતાં સુરેશચંદ શાવરલાલ મીણા (ઉ.વ. 33)એ સારવારમાં દમ તોડી દીધો હતો. બીજી બાજુ ગાંધીધામમાં રમીલાબેન રમેશ સોલંકી (ઉ.વ. 25)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તથા લાકડિયા નજીક ટ્રેનની ટક્કરે માનસંગ પાંચાભાઇ કોળી (ઉ.વ. 84)નું મોત થયું હતું તેમજ અંજાર નજીક ટ્રેન નીચે પડતું મૂકતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનના બે કટકા થઇ ગયા હતા. ભચાઉના ગોડપરમાં રહેનાર ફરિયાદી પ્રભુ વજા કોળી અને તેમના પત્ની કંકુબેન તથા વેવાણ ચોથીબેન ગત તા. 1-7ના બાઇક નંબર જીજે-12-ઇએમ-1058 ઉપર સવાર થયા હતા અને જશાપર વાંઢ પાછળ આવેલ ડાયમંડ સોલ્ટ મીઠાના કારખાને મજૂરી અર્થે જઇ રહ્યા હતા. તેમનું આ બાઇક જશાપર વાંઢ તરફ જવાના કટ પાસે પહોંચ્યું હતું ત્યારે સામખિયાળી બાજુથી આવતી કન્ટેનર ટ્રક નંબર જીજે-39-ટીબી-0085એ બાઇકને હડફેટમાં લેતાં ત્રણેય નીચે પટકાયા હતા અને ત્રણેયને ઇજાઓ પહોંચી હતી જેમાં ચોથીબેનને વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાતાં તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો, જ્યારે કંકુબેનને સારવારમાં રખાયા છે. અકસ્માત નોતરી નાસી જનાર ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક બનાવ સામખિયાળીથી ભચાઉ કુમાર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર સર્જાયો હતો. ટ્રેઇલરમાં ઇન્દોર બાજુથી પવનચક્કી ભરી સુરેશચંદ ભુજ આવી રહ્યો હતો, દરમ્યાન ભચાઉ નજીક વાહનના પૈડા તપાસ કરવા નીચે ઊતર્યો હતો તેવામાં અજાણ્યાં બાઇકે આ યુવાનને હડફેટમાં લઇ બાઇકચાલક નાસી ગયો હતો. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે જુદી-જુદી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ત્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. ભરતરામ કાલુરામ મીણાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામના કાર્ગો એકતાનગરમાં બન્યો હતો. અહીં રહેનાર અને સાત વર્ષનો લગ્નગાળો ધરાવનાર રમીલાબેન સોલંકી પોતાના ઘરે હતા. દરમ્યાન અગમ્ય કારણોસર ગઇકાલે તેમણે લાકડામાં દોરી બાંધી ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બીજો બનાવ ઘરણા ફાટકથી 300 મીટર લાકડિયા તરફ ટ્રેનના પાટા ઉપર બન્યો હતો. ગઇકાલે હજિયાવાંઢના માનસંગભાઇ આધોઇ જવા નીકળ્યા હતા, બાદમાં ટ્રેનના પાટા પાસે ટ્રેનની ટક્કર લાગતાં તેમણે જીવ ખોયો હતો, તો અંજાર નજીક પાટા ઉપર ગઇકાલે સાંજે અન્ય એક આવો બનાવ બન્યો હતો. 30 વર્ષીય અજાણ્યા યુવાને ટ્રેન નીચે ઝંપલાવતાં તેના શરીરના બે કટકા થઇ ગયા હતા. આ યુવાન કોણ છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd