• રવિવાર, 05 જુલાઈ, 2026

મિરજાપર પાસે માર્ગ ઓળંગતા આધેડને કારે અડફેટે લેતાં સારવાર દરમ્યાન મોત

ભુજ, તા. 4 : ગત તા. 21-6ના રાતે આઠેક વાગ્યે બાવન વર્ષીય આધેડ એવા પ્રકાશભાઇ ઇશ્વરભાઇ તિલક (રહે. મિરજાપર) પગે માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે અજાણી કારે અડફેટે લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમયસર યોગ્ય સારવાર ન મળ્યાનોય ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ગત તા. 21-6-26ના રાતે 8:10 વાગ્યાના અરસામાં મિરજાપર પાસેના ભોલેનાથ પેટ્રોલ પંપ સામે રોડ પર થયેલા માર્ગ અકસ્માત મોત અંગેના બનાવ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે મિરજાપર રહેતા મહેન્દ્રભાઇ ઇશ્વરભાઇ તિલકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઇ પ્રકાશભાઇ પગે ચાલીને માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે બ્લેક કલરની ક્રેટા જેવી કારના ચાલકે પૂરઝડપે બેદરકારીથી કાર ચલાવી પ્રકાશભાઇને અડફેટે લઇ અકસ્માત કરતાં પ્રકાશભાઇને માથા તથા ખભા અને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. કારચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ઘાયલ પ્રકાશભાઇને પ્રથમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયા હતા, જ્યાં ગત તા. 23-6ના તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ફરિયાદમાં વધુમાં લખાવાયું છે કે, નેત્રમ અને અન્ય સ્રોતની મદદથી કાળા કલરની ક્રેટા જેવી કારે અકસ્માત સર્જ્યો હતો. ઉપરાંત ઘાયલ પ્રકાશભાઇને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા જ્યાં છ કલાક સુધી સારવાર ન થતાં અને તા. 22-6ના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ સમયસર યોગ્ય સારવાર ન મળી હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવા ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd