• રવિવાર, 05 જુલાઈ, 2026

મીઠીરોહર : અપહરણ-બળાત્કારના આરોપીને 20 વર્ષની સખત કેદ

ગાંધીધામ, તા. 4 : મીઠીરોહરમાં દોઢેક વર્ષ અગાઉ એક કિશોરીનું અપહરણ કરી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો અહીંની કોર્ટે આપ્યો હતો. મીઠીરોહરમાં ગત તા. 16/2/2025ના આ બનાવ બન્યો હતો, જે અંગે તા. 18/2ના પોલીસ મથકે ગુનો નેંધાયો હતો. મજૂરીકામ કરનાર વ્યક્તિની દીકરીનું અપહરણ થતાં ફરિયાદ થઈ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી એવા ભુપારામ લક્ષ્મણરામ પુરોહિતને પકડી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતાં કોર્ટમાં તેની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અહીંની વિશેષ પોક્સો કોર્ટમાં પૂરતા પુરાવા મળતાં ચાર્જ ફ્રેમ કરી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. દરમ્યાન 15 જેટલા સાક્ષીની જુબાની થયેલ હતી અને સાથે 100થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના અંતે બંને પક્ષકારોની દલીલો થઈ હતી. આરોપીએ કરેલ ગુનો નિશંકપણે સાબિત કરી દેતાં ફરિયાદી પક્ષ તરફે થયેલ દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને આ શખ્સ  ભુપારામ પુરોહિતને ન્યાયાધીશ આર. જે. પટેલે તકસીરવાન ઠેરવ્યો હતો અને આરોપીને જુદી-જુદી કલમો તળે 20 વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 50,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. ફરિયાદી તરફે સરકારી વકીલ એ.જી.પી. કુમારી હિતેષી પી. ગઢવી તથા મૂળ ફરિયાદીના વકીલ તરીકે ધારાશાત્રી ભાવિન જે. જોશી હાજર રહ્યા હતા અને કાયદાની છણાવટભરી દલીલો કરી હતી. 

Panchang

dd