• શુક્રવાર, 26 જૂન, 2026

કેરવાંઢમાં માટીચોરીનો પર્દાફાશ : રૂા. બે કરોડનો મુદ્દામાલ જપ્ત

નલિયા, તા 25 : અબડાસમાં ગેરકાયદે ખનિજ ખનન કરતા માફિયાઓ પર તવાઈ બોલાવતાં ખાણ ખનિજ વિભાગે ગઈકાલે ગુરુવારે  કેરવાંઢ અને વડસરના સીમાડામાં કાર્યવાહી કરી હતી. કચ્છમિત્રમાં શુક્રવારે `કેરવાંઢમાં ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદે માટી ખનનથી પશુધનને જોખમ' હેઠળ પ્રકાશિત થયેલા અહેવાલ બાદ ખાણ ખનિજ વિભાગે કડક હાથે કામ લેતાં ગેરકાયદેસર માટી ખનન કરતાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે એસ્કેવેટર અને ચાર ડમ્પર સહિત અંદાજે રૂપિયા બે કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દરોડા પાડવામાં આવેલાં સ્થળે કોઈ પણ પ્રકારની ખનન માટે સરકારી મંજૂરી કે પરવાનગી વિના મોટાપાયે સાદી માટીનું ખનન ચાલી રહ્યું હતું. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આ ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલી માટીનો ઉપયોગ રેલવેના પાટા બનાવવા માટે થઈ રહ્યો હતો. સરકારી જમીન અને પશુઓ માટેના ગૌચરમાંથી માટીચોરી કરીને કરોડો રૂપિયાના રેલવે પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ થતો હતો. - બે કરોડનો મુદ્દામાલ જપ્ત : ખાણ ખનિજ વિભાગના દેવેન્દ્ર બારિયાનાં નેતૃત્વ હેઠળની ટીમે ગુરુવારે રાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી બે એસ્કેવેટર અને ચાર ડમ્પરને તાત્કાલિક સીઝ કર્યા હતાં. ખાણ ખનિજ વિભાગ હવે ખનન થયેલાં સ્થળની સઘન માપણી કરશે. આ માપણી દ્વારા  કેટલા જથ્થામાં માટીનું ગેરકાયદેસર ખનન થયું છે તેનો અંદાજ કાઢવામાં આવશે અને  ત્યારબાદ નિયમોનુસાર કરોડો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. - દબાણ છતાં ટીમ અડીખમ : આશ્ચર્યજનક રીતે દરોડા દરમિયાન ખાણ ખનિજ વિભાગની ટીમ પર વાહનો જપ્ત ન કરવા અને  માપણી ન કરવા માટે ભારે રાજકીય દબાણ આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.  તેમ છતાં, દરોડા પાડવા ગયેલી ટીમ દબાણ સામે ઝૂકી ન હતી અને પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. ટીમના આ મક્કમ વલણને કારણે ખનિજચોરોને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે, હવે તેમનો સમય પૂરો થઈ રહ્યો છે. - કરોડોનો ફાયદો થશે : જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, જો આ સ્થળની સાચી રીતે માપણી કરવામાં આવે અને સંપૂર્ણ દંડ વસૂલવામાં આવે તો સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા જમા થઈ શકે છે. ખાણ ખનીજ વિભાગે આ કાર્યવાહી ચાલુ રાખવાની અને ખનિજચોરો પર સતત વોચ રાખવાની ખાતરી આપી  છે. જો કે, અબડાસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ ખનિજચોરી ધમધમી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

Panchang

dd