ગાંધીધામ, તા 7 : ભચાઉમાં મહિલાને મરવા મજબૂર
કરવાના કેસમાં મહિલાના પતિ અને અન્ય એક મહિલાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ
બનાવ અંગે ચંદુભા મહોબતસિંહ રાઠોડએ પોલીસ મથકે ફરિયાદ નેંધાવી હતી જેમાં આરોપી અનોપસિંહ
હનુભા જાડેજાએ મૃત્યુ પામનાર સજ્જનબાના પતિ થાય છે અને મીનાબા સાથે બીજાં લગ્ન કર્યાં
હતાં અને વારંવાર સજ્જનબાને શારીરિક, માનસિક ત્રાસ આપી જેમાં આ મહિલાએ પણ મદદગારી કરી સજ્જનબા ગળેફાંસો ખાઇ લેતાં
તેમને મરવા મજબુર કરાયા હોવાનું જણાવાયું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ
કરી હતી અને પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં
ચાર્જશીટ રજૂ કરાઇ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષ તરફથી 13 સાહેદો અને 15 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળી તથા મૃત્યુ
પામનારની સ્યૂસાઇડ નોટ પુરવાર ન થતાં બંનેને નિર્દોષ જાહેર કરાયા હતા અને તેમને છોડી
મૂકવાનો આદેશ કરાયો હતો. આરોપીના ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. - દનણાની જમીનમાં ફેર નિર્ણયનો
હુકમ : નખત્રાણા તાલુકાના દનણાના રે. સર્વે નં.
98 તથા 214વાળી ખેતીની જમીનો શાહ શામજી
લખમશીનાં નામે હતી તેમની પાસેથી રાણુભા ભોજરાજ સોઢાએ અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી, જેની નોંધ ઈ-ધારા શાખામાં દાખલ કરતાં નોંધ સામે
દિલીપસિંહ તખુભા સોઢાએ તે જમીનો પોતાના વડીલોની માલિકીની હોવાનું તથા વડીલો દ્વારા
તે જમીનો વેચનારાના વડીલો પાસે ગીરો મૂકી હતી. આ વેચાણવ્યવહાર ગેરકાયદેસરનો હોઈ નોંધ
પ્રમાણિત થવા સામે લેખિત વાંધો રજૂ કર્યો હતો. નાયબ કલેકટર નખત્રાણા સમક્ષ સુનાવણી
થતાં વેચાણ દસ્તાવેજની નોંધ નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો હતો. તે હુકમ વિરુદ્ધ કલેકટર
સમક્ષ અપીલ રજૂ કરાતાં કલેકટરે રજિસ્ટર વેચાણ
દસ્તાવેજની નોંધ નામંજૂર કરતો હુકમ રદ કરી ફેરનિર્ણય કરવા હુકમ કર્યો છે. વેચનાર
તથા ખરીદનારના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ
ઠક્કર, કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર (ઠક્કર એસોસીએટ્સ) હાજર રહ્યા હતા.
- માંડવી કોર્ટનો હુકમ રદ કરતી
ભુજની સેશન્સ કોર્ટ : અરજદાર જયકાંત લખમશી માલદે (શાહ)ની વડીલોપાર્જિત
મિલકત મોટા લાયજા (તા.માંડવી)માં ગ્રામ પંચાયત ઘર નં.541, 542 અને 543 તથા 274 છે, જેમાં તલાટીની મિલીભગતથી અરજદારના ભાઈ જયેશ
(રહે. મુંબઈ)એ 2000ની સાલમાં
પોતાના નામે કરાવી હતી. અરજદારે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માગતાં સરકારી રેકર્ડમાં
છેડછાડ અને છેકછાક દેખાતાં જયેશ અને તલાટી બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં માંડવી કોર્ટે ફરિયાદ રદ કરતો હુકમ ફરમાવતાં
આ હુકમથી નારાજ થઈ અરજદાર જયકાંતે રિવિઝન અરજી દાખલ કરતાં ભુજની સેશન્સ કોર્ટે અરજી
મંજૂર કરી માંડવી કોર્ટનો હુકમ રદ કરી તે કેસમાં ફરી તપાસ કરવા જણાવ્યું છે. અરજદાર
જયકાંત તરફે લીગલ એઈડના પેનલ એડવોકેટ ચિરાગકુમાર એન. ઠાકર હાજર રહ્યા હતા.