ભુજ, તા. 7 : દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના
બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસ
પણ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તેનું પગેરું દબાવે છે. મ્યુલ એકાઉન્ટની તપાસમાં માધાપરના
એક બેન્ક ખાતામાં 47 દિવસમાં દેશભરમાંથી
47 લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી
થઈ તેના કુલ રૂા. 7,74,15,579 જમા થયાનો રેલો આવતાં માધાપરના બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો
છે. આ બનાવ અંગે આજે ભુજ બોર્ડર રેન્જના સાયબર પોલીસ મથકે આજે પોલીસ દ્વારા નોંધાયેલી
ફરિયાદ મુજબ સમન્વય પોર્ટલ પરના મ્યુલ એકાઉન્ટની તપાસમાં પશ્ચિમ કચ્છના મ્યુલ એકાઉન્ટના
ઈન્પુટ જોતાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા માધાપર-ભુજની બ્રાન્ચના એક બેન્કખાતું મળ્યું
હતું. તેના કે.વાય.સી. અને બેન્ક સ્ટેટમેન્ટ મગાવતાં આ બેન્કખાતું આશાપુરા એન્ટરપ્રાઈઝ
નામની પેઢીનું હતું અને તેના પ્રોપરાઈટર તરીકે ગજરા મુકેશ ભરતભાઈ (રહે. મૂળ સાંધાણ, તા. અબડાસા, હાલે રહે.
ગંગેશ્વર રોડ, જલારામનગરની સામે, માધાપર)
છે. 47 દિવસમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી
કુલ 47 જેટલી છેતરપિંડીના કુલ મળીને
રૂા. 7,74,15,579 જમા થયા છે. રિક્ષાચાલક એવા
મુકેશભાઈએ આ ખાતું તેના બનેવી રમેશભાઈ ધીરજ શિવજી ભાનુશાળી (રહે. પારસનગર, નવાવાસ, માધાપર) સાથે
મળીને ખોલાવ્યું હતું. છેતરપિંડી આચરતા લોકોના ઉપયોગ માટે તે પેટે કમિશન મેળવવાના હેતુથી
આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના નામનું ખાતું ખોલાવ્યું હતું. તેના બદલે કમિશન પેટે
મુકેશને આ ધીરજને 50થી 60 હજાર પણ આપ્યા હોવાની કેફિયત
મુકેશે આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. સાયબર પોલીસે આ બંને આરોપીઓ ઉપરાંત તપાસમાં
જે નીકળે તેના વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.