• મંગળવાર, 09 જૂન, 2026

નાના વરનોરામાં 1500 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

ભુજ, તા. 7 : તાલુકાના નાના વરનોરા ગામે વહીવટીતંત્રે હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં 37.50 લાખની 1500 ચોરસમીટર સરકારી જમીનને દબાણમુક્ત કરાવી સપાટો બોલાવ્યો છે. તંત્રની આ દબાણ હટાવ કામગીરી અંતર્ગત 21 જેટલી પાકી દુકાનોને મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં રાયધણપર ગામે સાવ સામાન્ય બાબતે મચેલી મોટી બબાલ બાદ વહીવટી તંત્રે નાના વરનોરાના માથાભારે શખ્સો પર ધ્યાન કેન્દ્રિત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે કાર્યવાહીના ભાગરૂપે આદરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં ભુજ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ-મકાન વિભાગની ટીમો જોડાઈ પાકાં દબાણો પર તવાઈ બોલાવી હતી. જાહેર માર્ગ પર અડચણરૂપ એવી 21 જેટલી પાકી દુકાનોને દૂર કરી 1500 ચો.મી. સરકારી જમીનને દબાણમુક્ત કરાવાઈ જેની બજાર કિંમત 37.50 લાખ જેટલી થવા જાય છે. દબાણ હટાવ ઝુંબેશ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી આરંભાયેલી કામગીરીનો ધમધમાટ મોડી સાંજ સુધી જારી રહ્યો હતો. આ કામગીરી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતાં તંત્રવાહકોએ પણ રાહતનો દમ લીધો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનાં માર્ગદર્શન હેઠળ આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં જારી રાખવામાં આવશે. - મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા નિંદા : દરમિયાન આ દબાણ હટાવ ઝુંબેશની મુસ્લિમ યુવા કોર કમિટીએ નિંદા કરી છે. કમિટીએ એવો આક્ષેપ કર્યો છે કે, સમગ્ર કેસ સાથે સીધો સંબંધ ન ધરાવતા દુકાનદારોને નિશાન બનાવી રોજગાર, જીવનનિર્વાહ પર પ્રહાર કર્યો છે. 

Panchang

dd