• મંગળવાર, 09 જૂન, 2026

માંડવીમાં `ધડાકા' કરતા બાઇકર્સ બેલગામ

માંડવી, તા. 7 : આ બંદરીય શહેર, પંથકમાં બેફામ - બેફિકરા બાઇકરો દ્વારા સાયલેન્સરનું અલ્ટ્રેશન કરાવીને બિહામણા ભડાકાઓ કરવાની કુચેષ્ટાને ધડો બેસે એવી નસિહત કરવાની માંગ ઊઠી છે. જાણે બોમ્બ ફૂટયો હોય એવી દહેશત ફેલાવનારાઓને બાનમાં લેવા જરૂર પડે વાહન ડિટેઇન કરવા અને આકરો દંડ ફટકારવામાં પોલીસતંત્ર કેમ સુસ્તી અનુભવી રહ્યું છે એવો સવાલ કરાયો હતો. કેટલાય સમયથી બેફામ વાહનચાલકો દ્વારા નાના-મોટા અકસ્માતો હવે નવી વાત નથી રહી. અવાંતરે ગફલતભર્યું ડ્રાઇવિંગ જીવલેણ અકસ્માતનું નિમિત્ત બની રહ્યું હોવાના બાળાપાઓ સાથે હવે એક વધુ અને બિહામણી કુચેષ્ટા ચર્ચાના ચકરાવે છે. નિવૃત્તો માટેનું વિરામ સ્થળ (તળાવગેટ)થી દરિયા કિનારાને જોડતો રસ્તો હોય કે તળાવની પાળે બફારાનો છૂટકારો લેવા અને શાંતિનો શ્વાસ લેવા સમી સાંજે ટહેલનારા વૃદ્ધો, નાગરિકો હોય, બગીચા આસપાસ, જીમખાના પાસેની પાળ હોય કે પછી રૂકમાવતી પુલથી ઠેઠ  જૈન આશ્રમ સુધીનો વિસ્તાર હોય દ્વિચક્રી વાહનચાલકો પૈકી બેફિકરાઓ અમર્યાદિત ગતિ સાથે વિચરતાં ધડકાઓ કરાવીને  ડરામણી દશા પેદા કરે છે. માહિતગારોના કહેવા પ્રમાણે એ આંકડો ડઝનોમાં છે, એવું પણ સાંભળવા મળ્યું હતું કે, શહેર, પંથકમાં પોણોસો-સો જેટલી સંખ્યામાં એ આંકડો હોઇ શકે છે. મિકેનિક વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે, બુલેટમાં પાવર ડિસ્કનેક્ટ થતાં બિહામણો અવાજ ઉદ્ભવે. આ ઉપરાંત કેટલાક મિથ્યા બહાદુરીની પ્રતીતિ કરાવવા બાઇકના સાયલેન્સરમાં અલ્ટ્રેશન કરાવી, વધારાની સ્વીચ બેસાડીને ચાલતે વાહને ઓન-ઓફ કરીને મોટો ફટાકડો ફૂટયો હોય કે બોમ્બ ફાટયો હોય એવો ભય પ્રસરાવે છે. ધૂનમાં વિચરનાર, નાનાં બાળકો હોય તે અતિશય ગભરાઇ જઇને ધ્રૂજી ઊઠે છે. વાહનોને ઓવરટેક કરવાની સાથે અકાલ્પનિક આ ધડાકાઓ થકી બેલેન્સ ચૂકી જવાતાં અકસ્માતનું નિમિત્ત પણ બનવાનો સંભવ છે. આવા `લુખ્ખાઓ', બેફિકરાઓની શાન ઠેકાણે લાવવા પોલીસતંત્ર ધાક બેસાડે અને આવાં વાહનો ડિટેઇન કરે, દંડ ફટકારે, જરૂર પડે લાયસન્સ સ્થગિત કરવા સુધી આંખ લાલ કરે તેવી જાગૃતોએ માંગ કરી હતી. જીમખાના ત્રિભેટા પાસે ઘણીવાર પોલીસ હોય તો પણ જાણે કોઇ જાતનો ડર ન હોય એવી હરકતોને ઠેકાણે પાડવી જોઇએ. તદુપરાંત આવાં બિનઅધિકૃત અલ્ટ્રેશન કરી આપનારાઓ સામે દંડો પછાડવો જોઇએ એવા બળાપા સાથે માંગ ઊઠી છે. 

Panchang

dd