ગાંધીધામ, તા. 3 : પૂર્વ કચ્છ પોલીસે ખાસ અને
સઘન ઝુંબેશ હાથ ધરીને અહીં ગેરકાયદે વસવાટ કરતા 27 જેટલા બાંગલાદેશીઓને ઝડપી પાડયા છે. આ શખ્સો બાંગલાદેશથી ભારતમાં
ઘૂસી ત્યાંથી મુંબઇ, બાદમાં દેશના
જુદા-જુદા રાજ્યોમાં ઘૂસી જતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. બાંગલાદેશમાં રહેતા અને
ભારતમાં ઘૂસણખોરી કરનારા શખ્સો શરૂઆતમાં બાંગલાદેશની સરહદ ગમે તેમ ઓળંગી પશ્ચિમ બંગાળ
વગેરે રાજ્યોમાં પહોંચી જાય છે, ત્યાંથી એજન્ટ મારફતે શરૂઆતમાં
મેગાસિટી મુંબઇમાં પહોંચે છે, ત્યાં તેમનું સેટિંગ હોવાથી સ્થાયી
થાય છે અને બાદમાં એજન્ટો મારફતે ભારતીય આધાર-પુરાવા બનાવી લેતા હોવાનું જાણકાર સૂત્રોએ
જણાવ્યું હતું. ત્યાંથી આ ઘૂસણખોરો જુદા-જુદા રાજ્યોના જુદા-જુદા શહેરોમાં પહોંચે છે
અને આધારકાર્ડ વગેરેમાં સરનામું સ્થાનિકનું કરાવી લેતા હોય છે. બાદમાં સ્થાનિક કોઇ
પણ ફેક્ટરી, કંપની કે નાના-મોટા વ્યવસાયમાં જોડાઇ જતા હોય છે.
ગેરકાયદે અહી વસવાટ કરતા આવા લોકો પોતાના વતનમાં આંગડિયા કે અન્ય કોઇ સ્રોત દ્વારા
પૈસા મોકલાવે અથવા ત્યાં સંપર્ક કરે ત્યારે એજન્સીઓના રડારમાં આવતા હોય છે. આવા અનેક
લોકો રાજ્યમાં હોવાનું બહાર આવતાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું હતું અને ખાસ
ઝુંબેશ હાથ ધરી આવા લોકોને ઝડપી પાડયા હોવાનું જાણવા મળ્યું હતું.