• મંગળવાર, 25 જૂન, 2024

ભુજના હત્યા કેસમાં જામીન અરજી મંજૂર : ભારસરના પોક્સો કેસમાં આરોપીને જામીન

ભુજ, તા. 18 : શહેરના ભીડનાકા પાસે થયેલી હત્યાના ચકચારી બનેલા મામલામાં  આરોપી અબ્દુલ આદમ મોખા (મમણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. બાદમાં આરોપીએ જામીન માટે અરજી કરી હતી, જે સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી. લગ્ન પ્રસંગમાં આમંત્રણ વિના આવી જવા બદલ આરોપી અબ્દુલને ઠપકો અપાતાં છરી વડે હુમલો કરી ઠપકો આપનારાની હત્યા કરાઈ હતી. આરોપીએ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. સેશન્સ કોર્ટે બંને પક્ષકારોની દલીલ સાંભળી જામીન અરજી મંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, ડી.સી. ઠક્કર, એમ.આઈ. હિંગોરા, વી.કે. સાંધ અને આઈ.એ. કુભાર હાજર રહ્યા હતા.

પોકસો કેસમાં જામીન મંજૂર

ભુજ તાલુકાના ભારાસરની સગીરાના અપહરણ કરવાના મામલામાં રાજેશ હીરાલાલ સાલેમામદ કોલીની ધરપકડ કરાઈ હતી. બાદમાં આરોપીએ જામીન અરજી કરતાં સ્પે. પોક્સો સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલને ધ્યાને રાખી આરોપીના જામીન મંજૂર કર્યા હતા. આ કેસમાં આરોપીના વકીલ તરીકે ધારાશાત્રી દેવાયત એન. બારોટ, ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, ખુશાલ મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી.

લેન્ડગ્રેબિંગ કેસમાં સ્ટે

રાપર તાલુકાના રવ મોટી ગામના માજી સરપંચ ગોડજીભાઈ વેલજી ભાટ્ટી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગના મામલે થયેલી જુદી-જુદી આઠ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે સબબ માજી સરપંચે હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી તમામ કાર્યવાહી સામે સ્ટેનો હુકમ કર્યો હતો. આ કેસમાં અરજદાર માજી સરપંચના વકીલ તરીકે આશિષ એમ. ડગલી, દિનેશ જે. રાવલ તથા ભરતકુમાર આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા.

ફોરમનો ફરિયાદી તરફે ચુકાદો

ભુજના રાજુલાબેન લીરેશ કારાણીએ ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડમાંથી મેડીકલેઈમ પોલિસી ખરીદી હતી. બાદમાં તેમને શારીરિક તકલીફ થતાં સારવાર કરાવવાનો 31,465નો ખર્ચ થયો હતો, જે કલેઈમ અરજી કરતાં કંપનીએ કરજી રદ કરી હતી. ફરિયાદી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં જતાં ફોરમે બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદી તરફે ચુકાદો આપ્યો હતો અને વીમા કંપનીને સારવારમાં થયેલા  ખર્ચની રકમ નવ ટકા વ્યાજ સાથે તથા માનસિક યાતના અને કાનૂની ખર્ચના રૂા. 7પ00 ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ધારાશાત્રી મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

વારસાઈ કેસમાં અરજી નામંજૂર

ભુજ તાલુકાના માધાપર ગામમાં આવેલી જમીનમાં વારસાઈ વિલ રદ કરવા બાબતે કરાયેલી અરજીની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી માવજી રામજી વાગડિયા અને સ્વ. ધનજી રામજી વાગડિયાના વારસો તરફે ચુકાદો આપતાં અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં  વારસદારોના વકીલ આનંદ શશિકાંત જોશી અને દર્શન અરવિંદભાઈ શેઠ હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang