ગાંધીધામ, તા. 12 : ભચાઉનાં નંદગામમાં ગેસ સિલિન્ડરની
લાઇન ફાટતાં દાઝી જનાર કુંવરબેન ગોવિંદ ડાંગર (ઉ.વ. 65)નું મોત થયું હતું. બીજી બાજુ
ભુજના હરુડીના પ્રિયંકાબેન જયરામ રબારી (ઉ.વ. 19)એ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. નંદગામમાં ગત તા. 6/2ના સવારના અરસામાં આ બનાવ બન્યો
હતો. અહીં રહેનાર કુંવરબેન પોતાના ઘરે હતા. દરમ્યાન ગેસ સિલિન્ડરની લાઇન કોઇ કારણોસર
ફાટતાં આ વૃદ્ધ મહિલા ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને પ્રથમ આદિપુર અને બાદમાં વધુ
સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયાં હતાં, જ્યાં
આ મહિલાએ ગઇકાલે રાત્રે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ હરુડીમાં
અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર પ્રિયંકાબેન રબારી નામનાં પરિણીતા ઘરે હાજર
હતાં દરમ્યાન અગમ્ય કારણોસર આ યુવાન પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું
હતું. તેમના પતિ જયરામ ભચાભાઇ રબારી ભુજ લઇ જતાં જી.કે. જનરલના તબીબોએ મહિલાને મૃત
જાહેર કરી હતી. બનાવ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.