ગાંધીધામ, તા. 12 : માંડવી તાલુકાના મોટા આસંબિયા
પાસે મોટર સાઈકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે ભુજના કિશન વિનોદભાઈ
વઢીયાર(ઉ.વ.23) તથા રોહિત
જાદવજી વઢિયાર (ઉ.વ.20)નાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. માંડવી-ભુજ ધોરીમાર્ગ
ઉપર મોટા આંસબિયા અને કંઢરાઈ ચોકી વચ્ચે ગુરુવારે
રાત્રિના અરસામાં કાર અને બાઈક વચ્ચેની ટક્કરમાં ગેસ સંચાલિત ક્રેટા ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી, જ્યારે મોટર સાઈકલ ફંગોળાઈને રોડથી નીચે પડી હતી. આ દુર્ઘટનામાં ગંભીર
રીતે ઘવાયેલા બે યુવકનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બાઈક પર સવાર
ત્રીજા યુવાનને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતના પગલે કારમાં
લાગેલી આગ બુઝાવવા માંડવી નગરપાલિકાના હેડકલાર્ક મનજી પરમારની સૂચનાના પગલે તાબડતોબ
અગ્નિશમન દળની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગની ટીમના ભૂપેન્દ્રભાઈ સલાટ અને
ભીમજી કમલેશભાઈ સહિતનાએ આગ ઉપર કાબૂ મેળવ્યો હોવાનું અમારા માંડવીના પ્રતિનિધિ જયેશ
શાહે ઉમેર્યું હતું. અમારા કોડાયના પ્રતિનિધિ જીવરાજભાઈ ગઢવીના જણાવ્યા મુજબ,
કોડાય પોલીસ મથકના પી.આઈ. શ્રી ખરાડી, આસંબિયાના
જમાદાર વિપુલભાઈ ચૌધરી, વિપુલભાઈ પરમાર તથા મોહન લોઢા, ખેડૂત રાજેશ પીંડોરિયા
સહિતના બનાવસ્થળે પહોંચ્યા હતા. આ લખાય ત્યારે રાત્રિના 12.20 વાગ્યે યુવાનોના મૃતદેહોને
માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતના આ બનાવ
અંગે પોલીસે વિધિવત રીતે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.