• બુધવાર, 16 જુલાઈ, 2025

અજાપર પાસે કાર હડફેટે બે યુવાનનાં મોત

ગાંધીધામ, તા. 9 : અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના યુવાનોએ જીવ ખોયો હતો. બીજીબાજુ ભચાઉના શિવલખા નજીક અજાણ્યા વાહન હડફેટે અજાણ્યા યુવાનનું મોત થયું હતું. અંજારના રોટરીનગર નંદીશાળા સામે વીડી રોડ પાસે રહેનાર સુભાષ અને સુનીલ નામના યુવાનોએ ગઇકાલે અકાળે જીવ ખોયા હતા. આ બંને યુવાન બટુક કોળી, મયૂર કોળી, રાજુ કોળી, પ્રવીણભાઇ સાથે મોડવદર પાસે આવેલી સ્ટીલ ઓઇલ કંપનીમાં સિમેન્ટની ગાડી ખાલી કરવા મજૂરીએ ગયા હતા. અજાપર ગામના પાટિયા પાસે સિમેન્ટની ગાડી પડી હોવાથી સુભાષ અને સુનીલ બાઇક નંબર જીજે-39-ઇ-8845વાળું લઇને સિમેન્ટની ગાડી લેવા ગયા હતા, ત્યાંથી આ બંને યુવાન પરત આવી રહ્યા હતા, ત્યારે અજાપર પાટિયા નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ તેમને અકસ્માત નડયો હતો. પૂરપાટ આવી રહેલી ઇકો ગાડી નંબર જીજે-15-સીપી-3593ના ચાલકે આ બાઇકે હડફેટે લેતાં બાઇકનો બૂકડો બોલી ગયો હતો અને સુભાષ ઊછળીને ડિવાઇડર વચ્ચે પડયો હતો, જ્યારે સુનીલ રોડ પર પટકાયો હતો, જેમાં આ બંનેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોકો અહીં એકઠા થયા હતા. ઘવાયેલા બંને યુવાનને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ઇકો ગાડી રોડ નીચે ઊતરી ગઇ હતી. બે યુવાનનાં મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. આ બનાવ અંગે મહેશ દેવજી કોળીએ ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ સામખિયાળીથી રાધનપુર જતા માર્ગ ઉપર શિવલખા પાટિયા નજીક બન્યો હતો. લાકડિયા રહેનાર ફરિયાદી ભરત પૂંજા મકવાણા નામનો યુવાન ચિત્રોડ જવા નીકળ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને અજાણ્યા 33 વર્ષીય યુવાનને હડફેટે લીધો હતો. ઘવાયેલી હાલતમાં યુવાન જણાતા ફરિયાદીએ એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે મોકલ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

Panchang

dd